વૈજ્ઞાનિકોની એક ટીમે આશરે 1600 વર્ષ જૂના પ્રાચીન રોમન લાયકર્ગસ કપ જેવા કલર-ચેન્જિંગ ગ્લાસને ફરીથી બનાવવામાં મોટી સફળતા મેળવી છે. આ યુનિક ડ્રિંકિંગ કપનું સૌથી મોટું આશ્ચર્ય એ છે કે જ્યારે તેના પર પ્રકાશ પડે ત્યારે તે લીલો દેખાય છે અને જ્યારે પ્રકાશ આરપાર પસાર થાય ત્યારે તે રૂબી રેડ રંગમાં બદલાઈ જાય છે. બ્રિટિશ મ્યુઝિયમમાં સુરક્ષિત આ અદ્ભુત કલા કૃતિ પાછળનું રહસ્ય શું છે તે સમજવા માટે યુનિવર્સિટી ઓફ શેફિલ્ડના સ્કૂલ ઓફ કેમિકલ, મટિrials એન્ડ બાયોલોજિકલ એન્જિનિયરિંગના ડૉ. લિસા હોલેન્ડ્સ અને પ્રોફેસર કેરોલિન જેકસન લાંબા સમયથી રિસર્ચ કરી રહ્યા હતા, જેમને હવે આમાં મોટી સફળતા મળી છે.
આ અનોખા ગ્લાસની ખાસિયત તેની અંદર રહેલા સોના અને ચાંદીના અતિ સૂક્ષ્મ કણો એટલે કે નેનોપાર્ટિકલ્સ છે, જે રેતીના દાણા કરતા પણ હજારો ગણા નાના હોય છે. રોમન કારીગરોની આ ટેકનિકને સમજવા માટે રિસર્ચર્સની ટીમે વર્ષો સુધી પ્રયોગો કર્યા હતા. આ દરમિયાન ભઠ્ઠીના તાપમાન, ઓક્સિજનના સ્તર અને અલગ-અલગ મટિrialsની સાથે મિશ્રણમાં ખાંડ ઉમેરીને પણ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આકરી મહેનત બાદ ડૉ. લિસા હોલેન્ડ્સે એક પરફેક્ટ રેસિપી શોધી કાઢી, જેનાથી એવો ગ્લાસ તૈયાર થયો જે આગળથી લીલો અને પાછળથી લાઈટ આપતા લાલ રંગનો દેખાય છે. લાયકર્ગસ કપ એ પ્રાચીન રોમન સમયનો એકમાત્ર એવો હયાત કેજ કપ છે જે આ પ્રકારની અદ્ભુત ઓપ્ટિકલ ઇફેક્ટ દર્શાવે છે.
આ સફળતા માત્ર કલા પૂરતી સીમિત નથી, પરંતુ સોલર એનર્જી, ક્વોન્ટમ ટેકનોલોજી અને હેલ્થકેર ડાયગ્નોસ્ટિક્સ જેવા ક્ષેત્રોમાં પણ આ રિસર્ચ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ રિસર્ચથી પ્રેરિત થઈને નેટફ્લિક્સના શો બ્લોવન અવેના વિનર અને ગ્લાસ આર્ટિસ્ટ ઇલિયટ વૉકર દ્વારા એક મોર્ડન સ્કલ્પચર પણ તૈયાર કરવામાં આવ્યું છે, જે આગામી 6 નવેમ્બરથી 15 નવેમ્બર 2026 દરમિયાન યુનિવર્સિટીના ફેસ્ટિવલ ઓફ ધ માઇન્ડમાં મિલિનિયમ ગેલેરી ખાતે પ્રદર્શિત કરવામાં આવશે. આ અદભુત આર્ટ પીસ બાદમાં શેફિલ્ડની ટર્નર મ્યુઝિયમ ઓફ ગ્લાસમાં કાયમ માટે મૂકવામાં આવશે. પ્રાચીન રોમન ઇતિહાસ અને મોર્ડન સાયન્સના આ અદ્ભુત સંગમથી દુનિયાભરના વૈજ્ઞાનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
