પૂર્વ તુર્કીમાં આવેલા જહાજ જેવા આકારના ડુરુપિનાર સ્થળ પર સંશોધન કરી રહેલી ટીમે દાવો કર્યો છે કે તેમને જમીનથી લગભગ ૩૦ ફૂટ નીચે સળગેલા અને અસળગેલા લાકડાના ટુકડા મળ્યા છે. માઉન્ટ અરારત નજીક આવેલી આ ૫૩૮ ફૂટ લાંબી રચના ૧૯૫૯થી જ આર્ક (જહાજ) શોધનારાઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહી છે. બાઇબલની પૌરાણિક કથા મુજબ, નોઆહ નામના વ્યક્તિએ એક વિશાળ જહાજ બનાવીને પૃથ્વી પર આવેલા મહાપૂર દરમિયાન પોતાના પરિવાર અને જીવજંતુઓનું રક્ષણ કર્યું હતું. આ નવું સંશોધન તે જ પ્રખ્યાત જહાજ સાથે સંબંધિત હોઈ શકે છે તેવી શક્યતાઓ સંશોધકો વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી આ દાવાને સમર્થન આપતા કોઈ નક્કર વૈજ્ઞાનિક પુરાવા મળ્યા નથી.
'નોઆહ્સ આર્ક સ્કેન્સ' નામના પ્રોજેક્ટના વડા એન્ડ્રુ જોન્સે જણાવ્યું હતું કે તેમની ટીમે જે લાકડું શોધી કાઢ્યું છે તેમાં કેટલાક ભાગો સળગેલા છે. તેમના મતે આ સળગેલા અવશેષો પ્રાચીન જહાજના હોઈ શકે છે, અથવા તો કોઈ ભરવાડે ત્યાં આશરો લઈને તાપ કર્યો હોય તેવું પણ બનવા જોગ છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે લાકડા પર આગની અસર થવાથી કદાચ તેનું વિઘટન ધીમું પડ્યું હશે અને તે લાંબા સમય સુધી સચવાઈ રહ્યું હશે. બાઇબલમાં પણ ઉલ્લેખ છે કે નોઆહે જહાજને વોટરપ્રૂફ બનાવવા માટે ડામરનો ઉપયોગ કર્યો હતો, જે જ્વલનશીલ હોય છે. જો કે, આ તમામ બાબતો હાલ પૂરતી માત્ર કલ્પનાઓ અને પૂર્વધારણાઓ છે, જેને સાબિત કરવા માટે ઊંડાણપૂર્વકનું વૈજ્ઞાનિક વિશ્લેષણ અનિવાર્ય છે.
આ અગાઉ પણ સંશોધકોએ ગ્રાઉન્ડ-પેનિટ્રેટિંગ રડાર સ્કેન દ્વારા આ વિસ્તારમાં અંદરની તરફ ભોંયરાઓ અને ઓરડાઓ હોવાનો દાવો કર્યો હતો. એટલું જ નહીં, સ્થળ પરથી એકત્રિત કરવામાં આવેલા માટીના નમૂનાઓમાં આસપાસની માટી કરતા ત્રણ ગણો વધુ ઓર્ગેનિક પદાર્થ અને ૩૮ ટકા વધુ પોટેશિયમ મળી આવ્યું છે, જે લાકડાના વિઘટન તરફ ઈશારો કરે છે તેમ છતાં આવા તફાવતો અન્ય પ્રાકૃતિક કારણોસર પણ હોઈ શકે છે. ટીમે તાજેતરમાં કરેલી ડ્રીલિંગ અને સ્કેનિંગ પ્રક્રિયામાં કુદરતી બેડરોકને બદલે સમૃદ્ધ અને ઘાટી માટી શોધી કાઢી છે. હવે આ માટીના નમૂનાઓનું લેબોરેટરી પરીક્ષણ કરવામાં આવશે, ત્યારબાદ જ સ્પષ્ટ થશે કે આ રહસ્યમય રચના ખરેખર કોઈ પ્રાચીન જહાજની છે કે પછી તે કુદરતી ભૌગોલિક પ્રક્રિયાનું પરિણામ છે.
