તાજેતરમાં મળેલી એક ઉચ્ચ સ્તરીય પર્ફોર્મન્સ રિવ્યુ મીટિંગમાં સરકારી બાબુઓની કામગીરી અને તેમની આદતોને લઈને મોટો ખુલાસો થયો છે. કેબિનેટ સેક્રેટરી ટી.વી. સોમનાથને સરકારી વહીવટમાં ચાલતી બેદરકારી સામે અનોખી રીતે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કાર્ટૂનનો સહારો લઈને એવા ૧૨ પ્રકારના બાબુઓની ઓળખ કરી છે જેઓ ઓફિસનું વાતાવરણ બગાડે છે અને સરકારી કામોમાં અનાવશ્યક વિલંબ પેદા કરે છે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી વિભાગોની કાર્યક્ષમતા સુધારવાનો અને સમયસર નિર્ણયો લેવાનો હતો.
આ બેઠકમાં ખાસ કરીને એવા અધિકારીઓને નિશાન બનાવવામાં આવ્યા જેઓ ફાઇલોને દબાવી રાખે છે, જે નિર્ણય પોતે જ લઈ શકતા હોય તેવા વિષયો પણ મંત્રીઓ પાસે મોકલે છે અને સાંજે 7 વાગ્યા પછી મીટિંગો બોલાવવાની ટેવ ધરાવે છે. આ ઉપરાંત, શનિવારે સ્ટાફને બોલાવીને મોડા આવતા અધિકારીઓ અથવા મહિલા સહકર્મીઓ સાથે અયોગ્ય વર્તન કરતા બાબુઓની હરકતો પણ ઉજાગર કરવામાં આવી હતી. સોમનાથને નાણાં અને વાણિજ્ય મંત્રાલયોને પણ તાકીદ કરી હતી કે તેઓ પરસ્પર ચર્ચાઓ ઝડપથી પતાવે જેથી નિર્ણયો અટકી ન પડે. આ સાથે જ આગામી જાન્યુઆરી મહિનાથી ડિરેગ્યુલેશન 3.0 લાવવાની યોજના પણ રજૂ કરવામાં આવી છે, જેનો હેતુ લાલ ફીતાશાહી ઘટાડવાનો છે.
આ બેઠકમાં માત્ર અધિકારીઓની કામગીરી જ નહીં પરંતુ અન્ય ગંભીર મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી. રેલવેના આશરે 100000 કર્મચારીઓ દ્વારા પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મફત અનાજના રાશન કાર્ડના અયોગ્ય ઉપયોગનો માદો પણ સામે આવ્યો હતો. આ મામલે કેબિનેટ સેક્રેટરીએ રેલવે બોર્ડના ચેરમેન સતીશ કુમારને કડક નિર્દેશ આપ્યો છે કે આ કર્મચારીઓ પાસેથી તાત્કાલિક રાશન કાર્ડ પરત લેવડાવવામાં આવે. સરકારના આ કડક રૂખથી હવે સરકારી વિભાગોમાં દોડધામ મચી ગઈ છે અને આગામી દિવસોમાં કામગીરી વધુ પારદર્શક બને તેવી અપેક્ષા છે.
