પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં સિંચાઈના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. પાનમ કેનાલ તેમજ નર્મદા કેનાલમાંથી સમયસર અને પૂરતા પ્રમાણમાં પાણી ન છોડવામાં આવતાં ડાંગર સહિતના ઉભા પાક પર મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. કેનાલો સાવ ખાલીખમ અથવા અપૂરતા પ્રવાહ સાથે વહેતી હોવાથી ખેતરો સુધી પાણી પહોંચી શકતું નથી. આ પરિસ્થિતિને પગલે ખેડૂતોમાં ભારે નિરાશા અને ચિંતાની લાગણી વ્યાપી ગઈ છે અને વહીવટી તંત્ર સામે તાત્કાલિક પાણી છોડવાની પ્રબળ માંગ ઊઠી છે.
કાલોલ તાલુકાના ગીરધરપુરી, ખંડોળી, પીગળી, રાજપુર, સાગના મુવાડા, બોડીદ્રા, નાની પીંગળી તેમજ મોકળ સહિતના અનેક ગામોના ખેડૂતો હાલ આ વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ધરતીપુત્રોના જણાવ્યા અનુસાર, હાલમાં ડાંગરનો પાક ખૂબ જ મહત્વપૂર્ણ તબક્કામાં પહોંચ્યો છે અને આ સમયે પાકને નિયમિત પાણી મળવું અનિવાર્ય છે. જો આગામી થોડા દિવસોમાં સિંચાઈ માટે પૂરતું પાણી નહીં મળે તો હજારો હેક્ટરમાં લહેરાતો પાક સુકાઈ જશે, જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.
સ્થાનિક ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે પાનમ અને નર્મદા કેનાલની તમામ નાની-મોટી શાખાઓમાં તાત્કાલિક અસરથી પાણી છોડવામાં આવે તો જ ઊભા પાકનું રક્ષણ થઈ શકે તેમ છે. ખેતી પાછળ મોંઘા બિયારણ, ખાતર અને મહેનત ખર્ચી ચૂકેલા ખેડૂતો હવે લાચાર બન્યા છે. પાણીના અભાવે મહેનત પર પાણી ફરી વળવાની દહેશત સેવાઈ રહી છે, જેથી સિંચાઈ વિભાગ કોઈપણ વિલંબ વિના યોગ્ય પગલાં ભરે તે જરૂરી બન્યું છે.
સમગ્ર પરિસ્થિતિને ધ્યાને રાખીને અસરગ્રસ્ત ગામોના આગેવાનો અને ખેડૂતો દ્વારા સંબંધિત ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે. ખેડૂતોએ માંગ કરી છે કે કેનાલોમાં પુરવઠો સુનિશ્ચિત કરવા ઉપરાંત રાજુપુરા માયનોર કેનાલ અને ગીરધરપુરી નજીકના રસ્તાઓની સ્થિતિનું તાકીદે સ્થળ નિરીક્ષણ કરવામાં આવે. કેનાલોમાં રહેલા અવરોધો દૂર કરી છેવાડાના ખેતર સુધી પાણી પહોંચાડવામાં આવે તો જ જગતના તાતની આજીવિકા બચી શકશે.
