દેશની દિગ્ગજ FMCG કંપની હિન્દુસ્તાન યુનિલીવર (HUL) એ આગામી સમય માટે પોતાનું આઉટલુક રજૂ કર્યું છે. કંપનીનું માનવું છે કે નજીકના ભવિષ્યમાં કોમોડિટી મોંઘવારી યથાવત રહેશે, જેના કારણે પ્રોફિટ માર્જિન પર દબાણ વધી શકે છે. પશ્ચિમ એશિયાના યુદ્ધ અને વૈશ્વિક પરિસ્થિતિઓને કારણે ક્રૂડ-લિંક્ડ ડેરિવેટિવ્ઝ, પેકેજિંગ મટિરિયલ્સ અને ખાદ્ય તેલના ભાવમાં આગ લાગી છે. આમ છતાં, મજબૂત માંગ અને પોતાના પ્રોર્ટફોલિયો તથા ચેનલ ટ્રાન્સફોર્મેશનના બળે HUL ને પૂરો વિશ્વાસ છે કે FY27 નું નાણાકીય વર્ષ FY26 ની સરખામણીમાં વધુ સારું સાબિત થશે.
કંપનીએ તાજેતરમાં પૂરા થયેલા સપ્ટેમ્બર ક્વાર્ટરના શાનદાર આંકડા જાહેર કર્યા છે, જેમાં કુલ ટર્નઓવર ₹18,071 કરોડ નોંધાયું છે. આ સમયગાળામાં કંપનીનો અંડરલાઇંગ સેલ્સ ગ્રોથ (USG) છેલ્લા 14 ક્વાર્ટરની સૌથી ઊંચી સપાટીએ એટલે કે 15% પર પહોંચ્યો છે, જ્યારે વોલ્યુમ ગ્રોથ 7% રહ્યો છે. મોંઘવારીના પડકારો વચ્ચે પણ EBITDA 8% વધીને ₹4,089 કરોડ થયો છે અને એક્સેપ્શનલ આઇટમ્સ પહેલાનો પ્રોફિટ આફ્ટર ટેક્સ 9% વધીને મજબૂત સ્થિતિ દર્શાવે છે. HUL ની CEO અને મેનેજિંગ ડિરેક્ટર પ્રિયા નાયરના જણાવ્યા મુજબ, ભારતીય અર્થવ્યવસ્થા અત્યારે મજબૂત છે અને ફેસ્ટિવલ સિઝનની ઘરાકીથી સેલ્સને વેગ મળ્યો છે.
કંપનીના વિવિધ સેગમેન્ટ્સની વાત કરીએ તો, હોમ કેર સેગમેન્ટમાં 22% અને બ્યુટી એન્ડ વેલબીઇંગ સેગમેન્ટમાં 16% નો જબરદસ્ત ગ્રોથ નોંધાયો છે, જેમાં પ્રીમિયમ પ્રોડક્ટ્સનું યોગદાન મોટું રહ્યું છે. જ્યારે પર્સનલ કેર અને ફૂડ્ઝ બિઝનેસમાં પણ 9% નો સારો વધારો જોવા મળ્યો છે. આ મજબૂત દેખાવને ધ્યાનમાં રાખીને HUL ના બોર્ડે 31 માર્ચ, 2027 ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ માટે પ્રતિ શેર ₹19 ના ઇન્ટરિમ ડિવિડન્ડની જાહેરાત કરી છે. કંપની લાંબા ગાળાની ક્ષમતાઓ વિકસાવવા અને 'Winning in New India' ની રણનીતિ પર કામ કરી રહી છે.
