JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

ભાવનગરમાં યુવતીની હત્યા કેસના સાક્ષીનું અપહરણ, 3 દિવસ ઘરમાં ગોંધીને આરોપીના પરિવાર દ્વારા ધમકી

Oct 28, 2026 | 10:25 | By JAMNAGAR MIRROR
ભાવનગરમાં યુવતીની હત્યા કેસના સાક્ષીનું અપહરણ, 3 દિવસ ઘરમાં ગોંધીને આરોપીના પરિવાર દ્વારા ધમકી
ભાવનગર એસટી બસ સ્ટેન્ડ હત્યા કેસના મુખ્ય સાક્ષીનું આરોપીના ભાઈ અને માતાએ અપહરણ કરી 3 દિવસ સુધી ઘરમાં ગોંધી રાખ્યો હતો. કોર્ટમાં જુબાની ન આપવા દબાણ કરનાર આ મામલે પીડિત સાક્ષીએ પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.

ભાવનગરના એસટી બસ સ્ટેન્ડમાં થોડા સમય પહેલાં થયેલી યુવતીની ચકચારી હત્યાના કેસમાં નવો વળાંક આવ્યો છે. આ હત્યા કેસના મુખ્ય સાક્ષી રવિ ઉર્ફે બાડો રાજેન્દ્રભાઈ ગોહેલનું હત્યાના મુખ્ય આરોપીના ભાઈ અને તેની માતાએ અપહરણ કરી લીધું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. કોર્ટમાં આરોપી વિરુદ્ધ જુબાની ન આપવા માટે સાક્ષીને દબાણ કરવાના હેતુથી તેને આશરે 3 દિવસ સુધી ઘરમાં ગોંધી રાખવામાં આવ્યો હતો. આ મામલે આખરે છૂટકારો મેળવ્યા બાદ પીડિત સાક્ષીએ નિલમબાગ પોલીસ મથકમાં આરોપી માતા અને પુત્ર વિરુદ્ધ અપહરણ તેમજ ધમકી આપવાની સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.

ઘટનાની વિગતો મુજબ, ગત 3 સપ્ટેમ્બરના રોજ ફૈઝલ ઉર્ફે ખાટકી રફીકભાઈ લાખાણીએ એસટી બસ સ્ટેન્ડ વિસ્તારમાં રવિની માનેલી બહેન કાજલબેનની હત્યા કરી હતી. આ કેસની કોર્ટમાં મુદત ચાલતી હોવાથી રવિ મુખ્ય સાક્ષી હતો. દરમિયાન ગત 24 ઓક્ટોબરના રોજ રવિ પાનવાડી વિસ્તારમાં નાસ્તો કરવા ગયો ત્યારે ફૈઝલનો ભાઈ દીડુ લાખાણી રીક્ષા લઈને આવ્યો હતો અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી રીક્ષામાં બેસાડી દીધો હતો. આરોપીઓ તેને પ્રથમ આડોડીયાવાસ અને ત્યારબાદ વરતેજ સ્થિત પોતાના ઘરે લઈ ગયા હતા, જ્યાં તેને 3 દિવસ સુધી કેદ રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન જેલમાંથી ફૈઝલે ફોન કરીને કોર્ટમાં જુબાની ન આપવા અને કાજલ જાતે પડી ગઈ હોવાનું કહેવા માટે ધમકી આપી હતી.

આ સમગ્ર પ્રકરણમાં જ્યારે પોલીસ સમન્સ બજાવવા માટે રવિની શોધખોળ કરતી આરોપીઓના ઘરે પહોંચી, ત્યારે પોલીસ કાર્યવાહીના ડરથી આરોપીઓએ રવિને મુક્ત કરી દીધો હતો. પોલીસે પૂછપરછ શરૂ કરતા મામલો બહાર આવ્યો હતો અને ડરના માહોલ વચ્ચે સાક્ષીએ પોલીસનો આશરો લીધો હતો. હાલ તો નિલમબાગ પોલીસે દીડુ લાખાણી અને તેની માતા શહેનાઝબેન રફીકભાઈ લાખાણી સામે ગુનો નોંધીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે અને આગળની તપાસ ચલાવી રહી છે.

LATEST ARTICLES