JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

સુરતમાં બીજા લગ્નની અદાવતમાં ખુની ખેલ, પૂર્વ પત્ની પર પૂર્વ પતિએ ધોળે દિવસે ચલાવ્યું ચપ્પુ

Oct 28, 2026 | 10:25 | By JAMNAGAR MIRROR
સુરતમાં બીજા લગ્નની અદાવતમાં ખુની ખેલ, પૂર્વ પત્ની પર પૂર્વ પતિએ ધોળે દિવસે ચલાવ્યું ચપ્પુ
સુરતના ઉધના વિસ્તારમાં બીજા લગ્નના માત્ર એક જ દિવસ બાદ ૨૩ વર્ષીય યુવતી પર તેના પૂર્વ પતિએ જીવલેણ હુમલો કર્યો હતો. પોલીસ ચોકીથી નજીક બનેલી આ ઘટનામાં સાથે રહેલી મહિલાની બહાદુરીથી યુવતીનો જીવ માંડ માંડ બચી ગયો હતો જ્યારે હુમલાખોર પૂર્વ પતિ ફરાર થઈ ગયો છે.

સુરત શહેરના ઉધના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને સીધો પડકાર આપતી એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે, જ્યાં બીઆરસી પોલીસ ચોકીથી માંડ 500 મીટરના અંતરે ધોળે દિવસે એક યુવતી પર લોહિયાળ હુમલો થયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ૨૩ વર્ષીય યુવતીએ પોતાની જિંદગીની નવી શરૂઆત કરીને ઘટનાના માત્ર એક દિવસ અગાઉ જ બીજા લગ્ન કરી લીધા હતા. આ વાતની અદાવત રાખીને તેનો પૂર્વ પતિ એટલો બધો ઉશ્કેરાઈ ગયો કે તેણે જાહેરમાં જણી જોઇને આ ખૌફનાક કાંડ આચરવાનું નક્કી કરી લીધું હતું.

ઘટનાના દિવસે 23 વર્ષીય યુવતી પોતાની સાથે અન્ય એક મહિલાને લઈને ઉધના વિસ્તારના રસ્તા પરથી પસાર થઈ રહી હતી, તે જ વખતે તેનો પૂર્વ પતિ સચિન હાથમાં તીક્ષ્ણ ચપ્પુ લઈને પાછળથી દોડતો આવ્યો હતો. કોઈ કંઈ સમજે કે સંભાળે તે પહેલાં જ સચિને યુવતી પર અચાનક હુમલો કરી દીધો અને તેના ગળા તથા હાથના ભાગે ચપ્પુના ઉપરાઉપરી ઘા ઝીંકી દીધા હતા. આ ઘાતક હુમલાને કારણે રસ્તા પર જ લોહીના ખાબોચિયાં ભરાઈ ગયાં હતાં અને યુવતી ગંભીર રીતે લોહીલુહાણ થઈને ફસડાઈ પડી હતી, જેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

આ ભયાનક હુમલા વખતે યુવતી સાથે ચાલી રહેલી સાથી મહિલાએ અદભુત હિંમત દાખવીને પોતાનો જીવ જોખમમાં મૂકી હુમલાખોર સચિનના પાછળથી જોરથી વાળ ખેંચી લીધા હતા અને તેને યુવતીથી દૂર ખસેડ્યો હતો. મહિલાના આ જબરદસ્ત પ્રતિકાર અને આસપાસના લોકોના દેકારો મચાવવાને કારણે સચિન વધુ વાર રોકાઈ શક્યો નહોતો અને સ્થળ પરથી નાસી છૂટ્યો હતો, જેના કારણે યુવતીનો જીવ માંડ બચી શક્યો છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના આધારે ઉધના પોલીસે આરોપી સચિન વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને તેને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો કામે લગાડી છે.

LATEST ARTICLES