30 સપ્ટેમ્બરના રોજ બનેલી આ રોમાંચક અને રુંવાડા ઉભા કરી દે તેવી ઘટના દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073 માં બની હતી. આ ફ્લાઇટમાં 170 કરતાં વધુ મુસાફરો સવાર હતા, ત્યારે અચાનક કો-પાયલોટે ઇમરજન્સીમાં વપરાતી કુહાડી વડે કેપ્ટન સ્મિત મચ્છર પર જીવલેણ હુમલો કરી દીધો હતો. આ અચાનક થયેલા હુમલાથી પ્લેન માત્ર 30 સેકન્ડમાં જ લગભગ 14,000 ફૂટ નીચે ગયું હતું, જેના કારણે હાઇ અસરમાં મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.
ખૂબ જ ગંભીર રીતે ઘાયલ હોવા છતાં અને લોહીથી લથપથ હાલતમાં પણ કેપ્ટન સ્મિત મચ્છરે પોતાની અંતિમ તાકાત એકત્ર કરીને કોકપિટના દરવાજાનું બટન ખોલી નાખ્યું હતું. આ સમય સૂચકતાને કારણે મુસાફરો અને ક્રૂ મેમ્બરો તાત્કાલિક અંદર દોડી આવ્યા હતા અને હુમલાખોર કો-પાયલોટને કાબૂમાં લીધો હતો. પ્લેનમાં હાજર બીજા બે પાયલોટોએ પરિસ્થિતિ સંભાળીને સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ પર ફ્લાઇટનું સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું, જ્યારે હુમલાખોર ઓમાની નાગરિક એવા કો-પાયલોટને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો.
આ સાહસિક કામગીરી બદલ દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશીદ અલ મક્તુમ દ્વારા કેપ્ટન સ્મિત મચ્છર અને તેમની ટીમને પ્રેસિડેન્શિયલ રિસેપ્શનમાં આ ઉચ્ચ નાગરિક સન્માન એનાયત કરવામાં આવ્યું હતું. ગંભીર ઇજા પામેલા કેપ્ટન મચ્છરની શરૂઆતમાં તબુકની હોસ્પિટલ અને બાદમાં અબુ ધાબીમાં સારવાર કરવામાં આવી હતી. આ સન્માન સમારોહમાં UAEના અનેક દિગ્ગજ નેતાઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહીને ક્રૂની કર્તવ્યનિષ્ઠા અને બહાદુરીને બિરદાવી હતી.
