JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
વાતાવરણ

ગાંધીનગરમાં અલનીનોની અસર: ગરમી વધતા સાપના રેસ્ક્યૂ કોલમાં આવ્યો મોટો વધારો

Oct 28, 2026 | 09:30 | By JAMNAGAR MIRROR
ગાંધીનગરમાં અલનીનોની અસર: ગરમી વધતા સાપના રેસ્ક્યૂ કોલમાં આવ્યો મોટો વધારો
ઓક્ટોબર પૂરો થવા આવ્યો છતાં ઠંડી ગાયબ છે અને અસહ્ય ગરમીના કારણે સાપની બાયોલોજીકલ ક્લોક ખોરવાઈ ગઈ છે. ગાંધીનગરમાં માત્ર એક જ સંસ્થાને રોજબરોજ સાપ પકડવાના 15થી 20 ઈમરજન્સી કોલ મળી રહ્યા છે, જે અસામાન્ય બાબત છે.

અલનીનોની અસર માત્ર વરસાદ કે ખેતી પર જ નહીં, પરંતુ હવે પ્રાણીજગતમાં પણ સ્પષ્ટપણે જોવા મળી રહી છે. સામાન્ય રીતે ગાંધીનગરમાં ઓક્ટોબર મહિનાના અંત સુધીમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થવા લાગે છે અને સાપ પોતાના દર અથવા સુરક્ષિત જગ્યાઓમાં શિયાળુ નિદ્રા એટલે કે બ્રુમેશનમાં જતા રહે છે. પરંતુ આ વર્ષે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં પડેલી રેકોર્ડબ્રેક ગરમી અને બપોરના સમયે ઉનાળા જેવો તાપ અનુભવાતા વાતાવરણનું ચિત્ર સાવ બદલાઈ ગયું છે. કાળઝાળ ગરમી અને ભેજવાળા વાતાવરણના કારણે સરિસૃપોની કુદરતી જીવનશૈલી પર ભારે અસર પડી છે.

વરસાદની ખેંચ અને વધેલા તાપમાનને કારણે સાપ જેવા ઠંડા લોહીવાળા જીવોની બાયોલોજીકલ ક્લોક સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. વનસેતુ ફાઉન્ડેશન સંસ્થાના સ્નેક રેસ્ક્યૂઅર બાદલ પરમારના જણાવ્યા મુજબ, શિયાળાની શરૂઆત થઈ ગઈ હોવા છતાં સાપ શીતનિદ્રામાં જવાને બદલે સતત બહાર નીકળી રહ્યા છે. સામાન્ય દિવસોમાં શિયાળાની ઋતુ બેસતાની સાથે જ સાપના રેસ્ક્યૂ કોલ ખૂબ જ ઓછા થઈ જતા હોય છે, પરંતુ આ વર્ષે સ્થિતિ એકદમ અલગ છે અને સાપ વારંવાર લોકોની નજરે ચડી રહ્યા છે.

આ અસામાન્ય પરિસ્થિતિના કારણે માત્ર વનસેતુ ફાઉન્ડેશનને જ અત્યારે દૈનિક ધોરણે સાપ ઈમરજન્સી રેસ્ક્યૂ માટે 15થી 20 કોલ મળી રહ્યા છે. સામાન્ય રીતે આ સિઝનમાં ઠંડી સામે વધુ સહનશક્તિ ધરાવતો રસેલ્સ વાઈપર એટલે કે ખડચિત્રો સાપ જ વધુ જોવા મળતો હોય છે, પરંતુ આ વખતે ગરમી વધુ હોવાથી અન્ય સાપો પણ મોટા પ્રમાણમાં બહાર આવી રહ્યા છે. વાચકોએ પણ આ દિવસોમાં પોતાના ઘરની આસપાસ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી બની ગઈ છે.

LATEST ARTICLES