JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
કૃષિ

અરવલ્લીના શામળાજી ખાતે રાજ્યકક્ષાનો પ્રાકૃતિક ખેતી પરિસંવાદ યોજાયો: આદિવાસી ખેડૂતોને આર્થિક સમૃદ્ધિનું મળ્યું માર્ગદર્શન

Oct 05, 2026 | 01:20 | By JAMNAGAR MIRROR
અરવલ્લીના શામળાજી ખાતે રાજ્યકક્ષાનો પ્રાકૃતિક ખેતી પરિસંવાદ યોજાયો: આદિવાસી ખેડૂતોને આર્થિક સમૃદ્ધિનું મળ્યું માર્ગદર્શન

યાત્રાધામ શામળાજી ખાતે આદિવાસી ખેડૂતોના સર્વાંગી ઉત્થાન અને ટકાઉ કૃષિ પદ્ધતિને વેગ આપવાના શુભ ઉદ્દેશ સાથે એક ભવ્ય રાજ્યકક્ષાના પ્રાકૃતિક ખેતી સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી, ગાંધીનગર તથા છાંયડો સેવા ટ્રસ્ટ, શામળાજીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ સેમિનારમાં વિજયનગર, ભિલોડા, મેઘરજ અને શામળાજી પંથકના આશરે ૧૪૦ જેટલા પ્રગતિશીલ આદિવાસી ખેડૂતો તેમજ વિવિધ સામાજિક સંગઠનોના પ્રતિનિધિઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સેમિનારનો મુખ્ય આશય આદિવાસી ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રેરિત કરવાનો હતો.

સેમિનાર દરમિયાન ઉપસ્થિત કૃષિ નિષ્ણાતો દ્વારા ખેતીમાં થતા બિનજરૂરી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરવા, જમીનની કુદરતી ફળદ્રુપતા લાંબા ગાળે જાળવી રાખવા, સ્થાનિક કુદરતી સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા અને અંતે ખેડૂતોની આર્થિક આવકમાં નોંધપાત્ર વધારો કરવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલા નિયામક ડૉક્ટર સી. સી. ચૌધરી, વલુણાના સુરેશભાઈ યાત્રી, નિવૃત્ત વહીવટી અધિકારી અને બાગાયત ક્ષેત્રના નિષ્ણાત સી. કે. ખરાડી, ભાવેશભાઈ પટેલ તેમજ બાગાયત વિભાગના અનસુયાબેન સહિતના મહાનુભાવોએ પ્રાકૃતિક કૃષિ, બાગાયતી પાકો અને તેના યોગ્ય મૂલ્યવર્ધન થકી આદિવાસી ખેડૂતોના આર્થિક સશક્તિકરણની દિશા ચીંધી હતી.

આ કાર્યક્રમમાં પ્રાકૃતિક પદ્ધતિથી પાક પકવતા ધરતીપુત્રો અને મહિલા સ્વસહાય જૂથો દ્વારા વિવિધ ૧૦ જેટલા આકર્ષક પ્રદર્શન સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા હતા. આ સ્ટોલ્સમાં કુદરતી રીતે ઉત્પાદિત અનાજ, કઠોળ, તાજાં શાકભાજી તેમજ મૂલ્યવર્ધિત સ્થાનિક વાનગીઓનું જીવંત પ્રદર્શન યોજાયું હતું. જેમાં મેશ્વો ફાર્મર પ્રોડ્યુસર કંપની, આદિવાસી મહિલા ઉદ્યોગ, શામળિયા ફેડરેશન નિધિ મહિલા મંડળ, પ્રગતિ મિશન મંગલમ જૂથ અને ગ્રામસેતુ પ્રાકૃતિક ફાર્મ સહિતના વિવિધ સંગઠનોએ ભાગ લઈને અન્ય ખેડૂત મિત્રોને પ્રાકૃતિક જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

LATEST ARTICLES