વડોદરા શહેરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ ચલાવતી એજન્સી વિનાયક લોજીસ્ટિક્સ દ્વારા એક મોટો અને સખત નિર્ણય લેવામાં આવ્યો છે. મહાનગરપાલિકા દ્વારા સમયસર નાણાકીય બિલો પાસ કરવામાં ન આવતા આગામી 31 ઓક્ટોબરથી શહેરના મહત્વના 5 રૂટ પર દોડતી સિટી બસ સેવા બંધ કરી દેવામાં આવશે. પાલિકાના ઓડિટ વિભાગ દ્વારા બિલોમાં વિવિધ ક્વેરીઓ કાઢીને નાણાકીય ચૂકવણું અટકાવી દેવામાં આવ્યું છે, જેના કારણે રોષે ભરાયેલી એજન્સીએ જ્યાં સુધી નાણાકીય મંજૂરી ન મળે ત્યાં સુધી બસોના પૈડા થંભાવી દેવાની ચીમકી ઉચ્ચારી છે.
આ નિર્ણયની સીધી અસર દૈનિક અંદાજે 200 જેટલી બસ ટ્રીપ પર પડશે. એજન્સી દ્વારા મળતી માહિતી મુજબ વાઘોડિયા, રસુલાબાદ, બાજવા, રણોલી તેમજ ચાણસદ રૂટ પરની બસ સેવા સંપૂર્ણપણે બંધ કરી દેવાશે. આ પાંચેય રૂટ શહેર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોને જોડતી મહત્વની કડી છે, જ્યાંથી રોજબરોજ હજારોની સંખ્યામાં નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકો અવરજવર કરે છે. અચાનક બસ બંધ થવાથી આ તમામ પ્રવાસીઓ અને રોજિંદા મુસાફરો રઝળી પડે તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે.
અગાઉ પણ આ જ એજન્સી દ્વારા બાકી લેણાં અને નાણાકીય વિવાદોના મુદ્દે બસ સેવા બંધ કરવામાં આવી હતી, અને હવે ફરીથી ઇતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે. 31 ઓક્ટોબરની ડેડલાઇન નજીક આવી રહી છે ત્યારે વહીવટી તંત્ર આ આગામી 4 દિવસમાં શું પગલાં ભરે છે અને કોઈ તોડ કાઢે છે કે નહીં તેના પર સૌની નજર રહેશે. જો સમયસર કોઈ ઉકેલ નહીં આવે તો હજારો નાગરિકોએ હાલાકી વેઠવી પડશે, જે સાબિત કરે છે કે પાલિકાના આંતરિક સંકલનના અભાવે આખરે સામાન્ય જનતાએ જ પરેશાન થવું પડે છે.
