JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

ડ્રોન હુમલા બંધ થતા જ રશિયાની રિફાઈનરીઓમાં ઓઈલ પ્રોસેસિંગ 25% વધ્યું

Oct 27, 2026 | 22:25 | By JAMNAGAR MIRROR
ડ્રોન હુમલા બંધ થતા જ રશિયાની રિફાઈનરીઓમાં ઓઈલ પ્રોસેસિંગ 25% વધ્યું
અમેરિકાની મધ્યસ્થીથી શાંતિ સમજૂતી બાદ યુક્રેનિયન હુમલા અટક્યા, રશિયાએ ઓઈલ પ્રોસેસિંગ વધારીને 5 મિલિયન બેરલ પ્રતિ દિવસ પર પહોંચાડ્યું, ડીઝલની નિકાસ પણ ફરી શરૂ થઈ.

ઓક્ટોબર મહિનાના બીજા અઠવાડિયા પછી રશિયાના ઓઈલ સેક્ટર માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. યુક્રેન તરફથી સતત થઈ રહેલા ડ્રોન હુમલાઓ બંધ થવાના કારણે રશિયાની ઓઈલ રિફાઈનરીઓએ ક્રૂડ પ્રોસેસિંગમાં મોટો વધારો કર્યો છે. ઓક્ટોબરની શરૂઆતની સરખામણીએ મહિનાના ઉત્તરાર્ધમાં ઓઈલ પ્રોસેસિંગ સીધું 25% જેટલું વધી ગયું છે. લાંબા સમયથી ચાલી રહેલા હુમલાઓના કારણે રશિયામાં પેટ્રોલ અને ડીઝલની ભારે તંગી ઊભી થઈ હતી, જેને પહોંચી વળવા સરકારે ઈંધણની નિકાસ પર પ્રતિબંધ મૂકવો પડ્યો હતો અને બહારથી આયાત પણ કરવી પડી હતી. હવે પરિસ્થિતિ સામાન્ય થતા રિફાઈનરીઓએ રાહતનો શ્વાસ લીધો છે.

ઈન્ડસ્ટ્રીના સૂત્રોના જણાવ્યા અનુસાર, મિડ-માર્ચથી રશિયન રિફાઈનરીઓ પર સાપ્તાહિક ધોરણે ડ્રોન હુમલા થઈ રહ્યા હતા. આ સ્થિતિ બદલવા માટે વોશિંગ્ટન દ્વારા મોસ્કો અને કિવ વચ્ચે શાંતિ મંત્રણાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા હતા અને રશિયા સાથે ડીઝલ સપ્લાયની ડીલ પણ નક્કી કરવામાં આવી હતી. આ ડીલના થોડા દિવસો પછી યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે 11 ઓક્ટોબરે રશિયા અને યુક્રેન વચ્ચે એનર્જી સીઝફાયરની જાહેરાત કરી હતી. 16 ઓક્ટોબર પછી રિફાઈનરીઓ પર કોઈ હુમલો થયો નથી. રશિયામાં ઓઈલ અને ગેસ માટે જરૂરી તમામ ઇક્વિપમેન્ટ દેશમાં જ બનતા હોવાથી રિફાઈનરીઓએ પોતાના યુનિટ્સ ફરીથી ફાસ્ટ સ્પીડમાં ચાલુ કરી દીધા છે અને ઓક્ટોબરના બીજા ભાગમાં પ્રોસેસિંગ વધીને આશરે 5 મિલિયન બેરલ પ્રતિ દિવસ (bpd) પર પહોંચી ગયું છે.

પ્રોડક્શન વધવાની સાથે જ રશિયાએ ડીઝલનું ઉત્પાદન પણ પ્રતિ દિવસ ઓછામાં ઓછા 50,000 મેટ્રિક ટન વધારી દીધું છે, જેના કારણે હવે કુલ ડીઝલ ઉત્પાદન વધીને 225,000 ટન પ્રતિ દિવસ એટલે કે આશરે 1.7 મિલિયન bpd થઈ ગયું છે. આ વધેલા ઉત્પાદનમાંથી લગભગ 80,000 ટન પ્રતિ દિવસ જેટલું ડીઝલ નિકાસ માટે ઉપલબ્ધ થઈ શકે તેમ છે. અમેરિકન ડીલ હેઠળ ઇંધણની નિકાસ પણ આંશિક રીતે ફરી શરૂ કરી દેવામાં આવી છે. આ ઘટનાક્રમથી વૈશ્વિક એનર્જી માર્કેટમાં સ્થિરતા આવવાની પૂરી સંભાવના છે અને આગામી દિવસોમાં રશિયાની નિકાસ વધુ વેગ પકડી શકે છે.

LATEST ARTICLES