5 વખતની ચેમ્પિયન ભારતીય હોકી ટીમે મંગળવારે ઓલમ્પિયન સુરજીત સિંહ હોકી સ્ટેડિયમ ખાતે રમાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં બાંગ્લાદેશ સામે 13-0થી મોટો વિજય મેળવીને પોતાના ટાઇટલ બચાવ અભિયાનની ઘમાકેદાર શરૂઆત કરી છે. મેચની શરૂઆતથી જ ભારતીય ખેલાડીઓએ મેદાન પર પોતાનું વર્ચસ્વ જમાવ્યું હતું અને મોટાભાગનો સમય બોલ બાંગ્લાદેશના હાફમાં જ રાખ્યો હતો. કેપ્ટન હરમનપ્રીત સિંહે મેચની માત્ર બીજી જ મિનિટમાં પેનલ્ટી કોર્નર દ્વારા શાનદાર ગોલ કરીને ભારતનું ખાતું ખોલાવ્યું હતું, જ્યારે થોડી જ ક્ષણોમાં મનદીપ સિંહે બીજો ગોલ કરીને લીડ બમણી કરી દીધી હતી.
મેચમાં ભારતીય આક્રમણ સામે બાંગ્લાદેશની ટીમ સંપૂર્ણપણે લાચાર નજરે પડી હતી અને પ્રથમ હાફ પૂરો થતાં સુધીમાં જ ભારતે 6-0ની મજબૂત લીડ મેળવી લીધી હતી. મનદીપે પોતાના શાનદાર ફોર્મ સાથે મેચમાં હેટ્રિક પૂરી કરી હતી, જ્યારે કેપ્ટન હરમનપ્રીત સિંહ, દિલપ્રીત સિંહ અને હાર્દિક સિંહ ત્રણેયે 2-2 ગોલ નોંધાવ્યા હતા. આ ઉપરાંત શિલાનંદ લાકડા, અભિષેક, નિલકાંતા શર્મા અને જુગરાજ સિંહે પણ ગોલ કરીને સ્કોરબોર્ડમાં મોટો ફાળો આપ્યો હતો. જો કે, મેચ દરમિયાન એક રમુજી અને અનોખી ઘટના પણ બની હતી જ્યારે એક રખડતું કૂતરો મેદાન પર આવી જતાં બીજા ક્વાર્ટરની શરૂઆત થોડીવાર માટે અટકાવવી પડી હતી.
આ રોમાંચક મુકાબલામાં બાંગ્લાદેશના ગોલકીપર અશરફુલ શાદે કેટલાક સારા બચાવ કર્યા હતા તેમ છતાં ભારતની તોફાની રમત સામે તેમનું પ્રદર્શન ફીકું પડી ગયું હતું. આ શાનદાર જીત બાદ ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતીય ટીમ ગુરુવારે આગામી મેચમાં ચીન સામે ટકરાશે, જ્યારે હારેલી બાંગ્લાદેશી ટીમ મલેશિયા સામે પોતાની આગામી રમતની તૈયારી કરશે. ભારતીય ટીમની આ ધમાકેદાર જીતથી હોકી પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ટીમનું મનોબળ પણ ઊંચું આવ્યું છે.
