કોચી ખાતે તારીખ 28 ઓક્ટોબરે વિમેન્સ પ્રીમિયર લીગ એટલે કે WPL 2027નું રોમાંચક ઓક્શન યોજાવા જઈ રહ્યું છે. આગામી સિઝન પહેલાં તમામ 5 ફ્રેન્ચાઈઝીઓ પાસે કુલ 27 ખાલી સ્લોટ ભરવા માટેનો મોકો છે. આ ઓક્શન માટે કુલ 146 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં 7 ઓવરસીઝ સ્લોટ પણ સામેલ છે. ટૂર્નામેન્ટની આગામી સિઝન 14 જાન્યુઆરીથી 7 ફેબ્રુઆરી 2027 દરમિયાન રમાવાની છે, જેને લઈને તમામ ટીમોએ પોતાની રણનીતિ તૈયાર કરી લીધી છે.
આ ઓક્શનમાં યુપી વોરિયર્સ પાસે સૌથી મોટું એટલે કે 3.75 કરોડ રૂપિયાનું પર્સ બાકી છે અને તેમની પાસે 8 જગ્યાઓ ખાલી છે, જેમાં 3 ઓવરસીઝ સ્લોટ સામેલ છે. જ્યારે ગુજરાત જાયન્ટ્સ પાસે સૌથી ઓછા એટલે કે માત્ર 3 સ્લોટ ખાલી છે અને તેમની પાસે 1.25 કરોડ રૂપિયાનું પર્સ છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ એટલે કે RCB પાસે 5 જગ્યાઓ માટે 1.15 કરોડ રૂપિયા છે. દિલ્હી કેપિટલ્સ પાસે 1.10 કરોડ રૂપિયાનું બજેટ છે અને તેમને પણ 5 ખેલાડીઓની જરૂર છે. બીજી તરફ, મુંબઈ ઇન્ડિયન્સ પાસે સૌથી ઓછું એટલે કે 90 લાખ રૂપિયાનું પર્સ છે અને તેમને 6 સ્થાન ભરવાના છે, જેમાં એક પણ ઓવરસીઝ સ્લોટ નથી.
તમામ ટીમો પોતાની જરૂરિયાત મુજબ ખેલાડીઓ પર બોલી લગાવશે. યુપી વોરિયર્સ બેટિંગ ડેપ્થ અને ઓલરાઉન્ડર પર ધ્યાન કેન્દ્રિત કરશે, તો ગુજરાત જાયન્ટ્સ બેટિંગ કવર શોધશે. RCB પાવર-હિટિંગ અને બોલિંગ ડેપ્થ મજબૂત કરવા માગશે, જ્યારે દિલ્હી વિકેટકીપિંગ અને બોલિંગ વિકલ્પો પર નજર રાખશે. મુંબઈ ઇન્ડિયન્સ પાસે મર્યાદિત બજેટ હોવાથી તેઓ ખૂબ જ સમજી વિચારીને ભારતીય ખેલાડીઓ પર દાવ લગાવશે જેથી ટીમનું બેલેન્સ જળવાઈ રહે.
