ભગવાન અને ભક્ત વચ્ચેના અતૂટ સંબંધોની વાતો તો આપણે અક્ષરસઃ સાંભળીએ છીએ, પરંતુ જો પરદા પર ખુદ ભગવાન કોઈ સામાન્ય માણસના સૌથી ખાસ દોસ્ત બની જાય તો શું થાય? કંઈક આવી જ ભાવનાત્મક અને અનોખી કહાની લઈને દર્શકો સમક્ષ આવી રહ્યા છે જાણીતા અભિનેતા તેમજ નેતા રવિ કિશન. મહાવીર જૈન ફિલ્મ્સ દ્વારા મંગળવારે 27 ઓક્ટોબરના રોજ તેમની આગામી નવી ફિલ્મ 'મેરા યાર બજરંગી- દોસ્તી હો તો એસી' ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જેનું પહેલું શાનદાર પોસ્ટર પણ સામે આવી ચૂક્યું છે.
આ ફિલ્મની વાર્તા એક સામાન્ય માનવી અને તેના આરાધ્ય દેવ વચ્ચેના ગાઢ સંબંધોની આસપાસ ફરે છે. સામે આવેલા પોસ્ટરમાં એક તરફ રૂદ્રાક્ષ અને રક્ષા સૂત્ર પહેરેલા સામાન્ય માણસનો હાથ દેખાય છે તો બીજી તરફ બજરંગબલીનો હાથ નજરે પડે છે, જેની વચ્ચે એક દિવ્ય ચમક જોવા મળે છે. અમિત આર્ચર્ય દ્વારા લિખિત અને દિગ્દર્શિત આ ડિવોશનલ ડ્રામા ફિલ્મ માત્ર કોઈ ધાર્મિક કથા નથી, પરંતુ આજના સમયમાં આસ્થા, વિશ્વાસ અને મિત્રતાના અનોખા સમીકરણને સુંદર અંદાજમાં મોટા પરદા પર રજૂ કરશે.
મહાવીર જૈન ફિલ્મ્સ અને રેટપૅક સ્ટોરિઝના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મ આવતા વર્ષે એટલે કે 2027ની દિવાળીના ખાસ અવસરે સિનેમાઘરોમાં ધમાકેદાર એન્ટ્રી કરશે. તાજેતરમાં જ મિર્ઝાપુર ધ મૂવીમાં ધમાકો મચાવનાર રવિ કિશન આ ફિલ્મમાં બજરંગબલીના પરમ ભક્ત એવા સામાન્ય માણસના રોલમાં નજરે પડશે. દિવાળી પર રિલીઝ થનારી આ ઇમોશનલ કહાનીથી ઓડિયન્સ ખાસ કરીને Gen-Z ને પણ રોવડાવવા માટે આ ફિલ્મ પૂરી રીતે તૈયાર છે, જેને લઈને ચાહકોમાં અત્યારથી જ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
