JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

ગાડીઓનું ધૂમ વેચાણ છતાં મારુતિ સુઝુકીના પ્રોફિટમાં મોટો ઘટાડો, જાણો શું છે કારણ

Oct 27, 2026 | 19:17 | By JAMNAGAR MIRROR
ગાડીઓનું ધૂમ વેચાણ છતાં મારુતિ સુઝુકીના પ્રોફિટમાં મોટો ઘટાડો, જાણો શું છે કારણ

દેશની સૌથી મોટી ઓટો કંપની મારુતિ સુઝુકીએ જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. કંપનીના વેચાણમાં જોરદાર વધારો થયો હોવા છતાં પ્રોફિટમાં 26%નો ઘટાડો નોંધાયો છે, જ્યારે રેવન્યુમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.

દેશની દિગ્ગજ ઓટોમોબાઈલ કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયાએ ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કરી દીધા છે. એક તરફ કંપનીએ ગાડીઓના વેચાણમાં અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ બનાવ્યો છે, તો બીજી તરફ પ્રોફિટના મોરચે કંપનીને મોટો ઝટકો લાગ્યો છે. વેચાણ વધવા છતાં કંપનીના કન્સોલિડેટેડ નેટ પ્રોફિટમાં વાર્ષિક ધોરણે 26%નો ઘટાડો નોંધાયો છે. આ સમાચાર સામે આવ્યા બાદ પણ શેર બજારમાં કંપનીના શેર પ્રત્યે રોકાણકારોનો ઉત્સાહ સારો જોવા મળ્યો હતો અને આજે ટ્રેડિંગ સેશનના અંતે કંપનીના શેરના ભાવમાં વધારો નોંધાયો હતો.

કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં મારુતિ સુઝુકીનો નેટ પ્રોફિટ ઘટીને Rs 2,466 કરોડ પર પહોંચી ગયો છે, જ્યારે ગયા વર્ષના આ જ સમાન ક્વાર્ટરમાં પ્રોફિટ Rs 3,349 કરોડ હતો. જોકે, આ દરમિયાન કંપનીની ઓપરેશનલ રેવન્યુ લગભગ 26% વધીને Rs 53,356 કરોડ થઈ ગઈ છે, જે ગયા વર્ષે Rs 42,344 કરોડ હતી. બીજી તરફ કાચા માલનો ખર્ચ વધીને Rs 37,489 કરોડ થયો હોવાથી અને વેસ્ટ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષના કારણે કોમોડિટી મોંઘી થવાથી કંપનીનો કુલ ખર્ચ વધીને Rs 50,619 કરોડ પર પહોંચી ગયો છે. જો વેચાણની વાત કરીએ તો, કંપનીએ આ ક્વાર્ટરમાં અત્યાર સુધીના સૌથી વધુ 6.97 લાખ યુનિટ્સનું વેચાણ કર્યું છે, જેમાં સ્મોલ કાર્સના વેચાણમાં લગભગ 40% અને SUVના વેચાણમાં 68%થી વધુનો જબરદસ્ત વધારો થયો છે. આ સાથે જ ભારતીય માર્કેટમાં કંપનીનો હિસ્સો વધીને 40.8% થઈ ગયો છે અને ક્વાર્ટરના અંતે આશરે 200,000 યુનિટ્સની ડિમાન્ડ પેન્ડિંગ છે.

પરિણામો જાહેર થયા બાદ આજે માર્કેટ બંધ થતી વખતે મારુતિ સુઝુકીના શેરમાં આશરે 2%નો ઉછાળો જોવા મળ્યો હતો અને શેર Rs 11,450 ની સપાટી પર બંધ થયા હતા. હાલમાં કંપનીનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન આશરે Rs 3.6 લાખ કરોડ આસપાસ ચાલી રહ્યું છે. કંપનીનું ઉત્પાદન વધવા છતાં બજારમાં ગાડીઓની ભારે માંગ યથાવત છે, જેના કારણે ડીલર નેટવર્ક પાસે માત્ર 17 દિવસનું જ ઇન્વેન્ટરી બેલેન્સ બચ્યું છે. આર્થિક વિશ્લેષકોના મતે ભલે શોર્ટ ટર્મમાં પ્રોફિટ પર દબાણ દેખાયું હોય, પરંતુ મજબૂત સેલ્સ વોલ્યુમ અને ડિમાન્ડના કારણે ઓટો સેક્ટરમાં આગામી દિવસોમાં સ્થિતિ વધુ મજબૂત બનવાની પૂરેપૂરી શક્યતા છે.

LATEST ARTICLES