આજે દુનિયાભરમાં રાજદ્વારી સંબંધોને લઈને એક મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઈરાનની રાજધાની તેહરાનમાં ફ્રાન્સના ડેપ્યુટી ચીફ ઓફ મિશનને આ મહિનાની શરૂઆતમાં સુરક્ષા દળો હોવાનો દાવો કરનારા કેટલાક શખ્સો દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા. ફ્રાન્સના આ રાજદ્વારીને રસ્તા પર બળજબરીથી રોકીને તેમની સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હોવાની માહિતી એક ડિપ્લોમેટિક સૂત્ર દ્વારા સામે આવી છે. છેલ્લા 4 મહિનાની અંદર ફ્રેંચ રાજદ્વારીઓ સાથે તેહરાનમાં આ પ્રકારની બીજી ઘટના બની છે, જેણે બંને દેશો વચ્ચેના તણાવને જગજાહેર કરી દીધો છે.
આ ગંભીર મામલાને લઈને પેરિસમાં ભારે હલચલ મચી ગઈ છે. ઘટના સામે આવ્યા બાદ ફ્રાન્સની વિદેશ મંત્રાલય દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા અને ઓક્ટોબરની શરૂઆતમાં જ ઈરાનના રાજદૂતને તેડું મોકલીને સખત શબ્દોમાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ફ્રેંચ મીડિયા રિપોર્ટ્સ મુજબ, ડિપ્લોમેટિક સ્ટેટસ હોવા છતાં રસ્તા પર રોકીને તેમની સાથે આક્રમક પૂછપરછ કરવામાં આવી હતી. અગાઉ જુલાઈ મહિનામાં પણ બે ફ્રેંચ ડિપ્લોમેટને કારણ વગર કલાકો સુધી અટકાયતમાં રાખવાના અને શારીરિક હાડમારી ભોગવવી પડી હોવાના ગંભીર આરોપો લાગ્યા હતા. તે સમયે પણ ઈરાને ફ્રાન્સ પર આંતરિક બાબતોમાં દખલગીરીનો આક્ષેપ કર્યો હતો અને સાંસ્કૃતિક પ્રોજેક્ટ સાથે જોડાયેલા સ્થાનિક ડિઝાઇનર્સની અટકાયત કરવામાં આવી હતી.
આ સમગ્ર વિવાદને કારણે બંને દેશો વચ્ચે રાજદ્વારી ઘર્ષણ ચરમસીમાએ પહોંચી ગયું છે. ઈરાને ફ્રેંચ ડિપ્લોમેટસને કામ કરતા અટકાવ્યા હતા, જેના બદલાારૂપે ફ્રાન્સે પણ પેરિસસ્થિત ઈરાની એમ્બેસીના 2 ડિપ્લોમેટસને હાંકી કાઢ્યા હતા. આટલું જ નહીં, સપ્ટેમ્બર મહિનામાં ઈરાને ફ્રેંચ એમ્બેસી સાથે જોડાયેલા એક ફ્રેંચ લેંગ્વેજ સેન્ટરને પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું કારણ ધરીને બંધ કરાવી દીધું હતું. ફ્રાન્સે આ નિર્ણયને સદંતર અસ્વીકાર્ય ગણાવ્યો છે અને પોતાના સ્ટાફ તેમજ પરિસરોની સુરક્ષા માટે ઈરાની સત્તાવાળાઓ સામે કડક પગલાં લેવાની ચીમકી પણ આપી છે.
