JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

એડવેન્ટ ઇન્ટરનેશનલ માટે એશિયામાં ભારત રહેશે નંબર વન માર્કેટ

Oct 27, 2026 | 20:00 | By JAMNAGAR MIRROR
એડવેન્ટ ઇન્ટરનેશનલ માટે એશિયામાં ભારત રહેશે નંબર વન માર્કેટ
વૈશ્વિક સ્તરે 30 બિલિયન ડોલરનું જંગી ફંડ એકત્ર કર્યા બાદ એડવેન્ટ ગ્રુપની ભારત પર વિશેષ નજર છે. મજબૂત જીડીપી ગ્રોથને કારણે ફાર્મા, હેલ્થકેર અને ટેકનોલોજી સહિતના ક્ષેત્રોમાં મોટું રોકાણ કરવામાં આવશે.

બોસ્ટન સ્થિત જાણીતી પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ એડવેન્ટ ઇન્ટરનેશનલે પોતાના નવા ગ્લોબલ બાયઆઉટ ફંડ અને મિડ-માર્કેટ ફંડ માટે સફળતાપૂર્વક 30 બિલિયન ડોલરનું જંગી ફંડ એકત્ર કરી લીધું છે. આ વૈશ્વિક મંદીના માહોલ વચ્ચે પણ કંપનીએ પોતાની લક્ષ્યાંક રકમ પાર કરીને 27 બિલિયન ડોલર તો માત્ર પોતાની 11મી ફ્લેગશિપ ફંડ શૃંખલા માટે જ ભેગા કર્યા છે. મુંબઈ સ્થિત મેનેજિંગ પાર્ટનર શ્વેતા જાલનના જણાવ્યા અનુસાર, અસ્થિર કરન્સી અને ઓઈલ પ્રાઈસ જેવા બાહ્ય પડકારો છતાં ભારતનું મધ્યમ અને લાંબા ગાળાનું માર્કેટ રોકાણ માટે સૌથી શ્રેષ્ઠ સાબિત થશે. એશિયા-પેસિફિક રીજીયન હાલમાં એડવેન્ટના કુલ એસેટ્સ અને એક્ટિવ પોર્ટફોલિયોનો મોટો હિસ્સો ધરાવે છે, જેમાં ભારત સૌથી મોટું માર્કેટ બનીને ઉભર્યું છે.

છેલ્લા 19 વર્ષમાં એડવેન્ટે ભારતમાં અંદાજે 7.5 બિલિયન ડોલરનું રોકાણ કર્યું છે અને બેંકો, ફાર્માસ્યુટિકલ્સ, ટેક સર્વિસીસ તથા લેન્ડિંગ જેવા વિવિધ સેક્ટર્સમાં કુલ 23 ડીલ્સ પૂરી કરી છે. ચાલુ વર્ષે જ કંપનીએ ભારતમાં યથાર્થ હોસ્પિટલ્સ, ઇસ્કોન બાલાજી અને આદિત્ય બિરલા હાઉસિંગ ફાઇનાન્સ જેવા મહત્ત્વના સેક્ટર્સમાં અંદાજે 875 મિલિયન ડોલર એટલે કે લગભગ 8,250 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ નવી ફંડ વેલ્થ સાથે કંપની હવે ફાર્મા, હેલ્થકેર, ફાઇનાન્સિયલ સર્વિસીસ, કન્ઝ્યુમર, ટેકનોલોજી સર્વિસીસ અને એઆઈ તેમજ ઇન્ડસ્ટ્રિયલ્સ જેવા 5 મુખ્ય ક્ષેત્રોમાં પોતાના રોકાણને વધુ વેગ આપવા જઈ રહી છે.

વૈશ્વિક સ્તરે એડવેન્ટે આ વર્ષે અંદાજે 13 બિલિયન ડોલરના એક્ઝિટ્સ પણ પાર પાડ્યા છે, જે તેની મજબૂત શિસ્ત અને રોકાણકારોના વિશ્વાસની સાક્ષી પૂરે છે. આ ફંડમાં 50 ટકાથી વધુ રોકાણ પબ્લિક પેશન ફંડ્સ અને સોવરિન વેલ્થ ફંડ્સ દ્વારા આવ્યું છે, જેમાં મોટાભાગના જૂના રોકાણકારો જ સામેલ છે. મેનેજિંગ પાર્ટનર શ્વેતા જાલનનો દ્રઢ વિશ્વાસ છે કે ભારતીય અર્થવ્યવસ્થા લાંબા ગાળે મજબૂત જીડીપી ગ્રોથ જાળવી રાખશે અને ભારત હંમેશાની જેમ એશિયા પોર્ટફોલિયોમાં સૌથી મોટું યોગદાન આપતું રહેશે.

LATEST ARTICLES