સ્ટાર કપલ રશ્મિકા મંદન્ના અને વિજય દેવરાકોંડાના લગ્ન બાદ ટીવી શોમાં કરેલા એક ખુલાસાથી ઇન્ટરનેટ પર ભારે ટ્રોલિંગ શરૂ થયું છે. રશ્મિકાએ લગ્ન પહેલા વિજયને લગ્ન માટે 100 વખત પ્રપોઝ કર્યું હોવાની વાત કહેતા લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા છે અને મામલો સાયબર ક્રાઈમ પોલીસ સુધી પહોંચ્યો છે.
અભિનેત્રી રશ્મિકા મંદન્ના અને સુપરસ્ટાર વિજય દેવરાકોંડા લગભગ એક દાયકાના સંબંધ બાદ આ વર્ષે ફેબ્રુઆરીમાં લગ્નજીવનમાં જોડાયા છે. લગ્ન બાદ પહેલીવાર એક જાણીતા ટીવી શોમાં હાજરી આપતી વખતે જ્યારે તેમને પ્રપોઝલ વિશે સવાલ પૂછાયો, ત્યારે તેમણે આપેલા જવાબથી આખો દેશ અચંબામાં પડી ગયો. આ કપલે શેર કર્યું કે વેકેશન બાદ એરપોર્ટ પર રશ્મિકાએ વિજયને પૂછ્યું હતું કે આપણે લગ્ન કેમ નથી કરી લેતા? જેના જવાબમાં વિજયે મજાકમાં કહ્યું હતું કે મને 100 વખત પૂછો પછી વિચારીશ. આ વાતના જવાબમાં રશ્મિકાએ પણ ખરેખર લગ્ન પહેલા આખો એક વર્ષ સુધી તેમને પૂછવાનું ચાલુ રાખ્યું હતું. આ એક ક્યૂટ અને અંગત કિસ્સો હતો, પરંતુ સોશિયલ મીડિયા પર આ વાતે એવો તો ભારે વિવાદ સર્જ્યો કે લોકોએ વિજયને એરોગન્ટ અને રેડ ફ્લેગ ગણાવવાનું શરૂ કરી દીધું, જ્યારે રશ્મિકાની સ્વમાનને લઈને ટીકાઓ થવા લાગી.
આ વિવાદ એટલો વધી ગયો કે કપલે હૈદરાબાદની સાયબર ક્રાઈમ પોલીસમાં ટાર્ગેટેડ ઓનલાઈન હેરેસમેન્ટ, ખોટી અવાખો અને મેન્યુપિલેટેડ સ્ક્રીનશોટ્સ તેમજ બ્રેકઅપની અવાજો સામે સત્તાવાર ફરિયાદ નોંધાવવી પડી. સોશિયલ મીડિયા પર લોકોનું માનવું હતું કે વિજયનો અહંકાર છતો થાય છે કેમ કે તેણે તરત હા નહોતી પાડી. બીજી તરફ, આખી ચર્ચા એ વાત પર કેન્દ્રિત થઈ ગઈ કે જો આ જ રોલ ઊંધા હોત અને વિજયે કોઈ અભિનેત્રીને 100 વખત પ્રપોઝ કર્યું હોત, તો શું દુનિયા તેને ડેસ્પરેટ કે અહંકારી ગણાવત કે પછી એક સમર્પિત રોમાન્ટિક પ્રેમી તરીકે બિરદાવત? આપણા સમાજમાં આજે પણ જ્યારે કોઈ મહિલા રોમાન્સમાં પહેલ કરે છે અથવા પોતાના પ્રેમનો ખુલ્લેઆમ એકરાર કરે છે, ત્યારે લોકો તેને કેમ સ્વીકારી શકતા નથી તે એક મોટો સવાલ બની ગયો છે.
આ મામલો માત્ર એક સેલિબ્રિટી કપલ પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ તે આપણા સમાજની રૂઢિચુસ્ત માનસિકતાને પણ ઉજાગર કરે છે. આક્રોશ વધી જતા રશ્મિકા અને વિજયે ઇન્સ્ટાગ્રામ પર સ્પષ્ટતા કરતા જણાવ્યું કે નારીવાદનો અર્થ ક્યારેય કોઈને નીચા દેખાડવાનો નથી હોતો, પરંતુ પોતાના જીવનના નિર્ણયો જાતે લેવાની સ્વતંત્રતા છે. આપણા પુરાણોમાં પણ રુક્ષ્મણી, હિડિંબા અને ઉલુપી જેવી પાત્રોએ પોતાની પસંદગીના પુરુષને ખુલ્લેઆમ અપનાવ્યા હતા, તો પછી આજના 21મી સદીના આધુનિક યુગમાં પણ જ્યારે કોઈ મહિલા દિલથી પ્રેમ વ્યક્ત કરે ત્યારે તેને કેમ શંકાની નજરે જોવામાં આવે છે? આ આખો વિવાદ એ વાતની સાક્ષી પૂરે છે કે સમય ભલે બદલાયો હોય, પરંતુ પ્રેમ અને સંબંધોના મામલામાં આપણી જૂની માનસિકતા હજી સંપૂર્ણપણે બદલાઈ નથી.
