થેની જિલ્લાની સબ-જેલમાંથી સોમવારે મોડી રાત્રે એકસાથે ૧૭ કેદીઓ ભાગી છૂટતા સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે અત્યાર સુધીમાં ૧ કેદીને પકડી પાડ્યો છે, જ્યારે બાકીના ૧૬ કેદીઓની શોધખોળ માટે વ્યાપક કોમ્બિંગ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
તમિલનાડુના કાયદો અને વ્યવસ્થા તંત્રની પોલ ખોલતી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં થેની જિલ્લાની સબ-જેલમાંથી સોમવારે મોડી રાત્રે એકસાથે ૧૭ કેદીઓ જેલ તોડીને ભાગી છૂટ્યા છે. આટલી મોટી સંખ્યામાં કેદીઓ ફરાર થઈ જવાની ઘટનાથી સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે. ઘટનાની ગંભીરતા જોતા સુરક્ષા દળો તાત્કાલિક હરકતમાં આવ્યા હતા અને મોડી રાત્રે નાકાબંધી કરીને સઘન તપાસ શરૂ કરી હતી, જેના પરિણામે અત્યાર સુધીમાં ૧ કેદીને ફરીથી પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે, જ્યારે અન્ય ૧૬ કેદીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે.
આ પ્રકરણની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દક્ષિણ ક્ષેત્રના પોલીસ મહાનિરીક્ષક (આઈજીપી) વિજયેન્દ્ર બિદારી અને ડિડીગુલના પોલીસ અધિક્ષક (એસપી) એસ. જયકુમારના માર્ગદર્શન હેઠળ સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ફરાર થયેલા ૧૬ કેદીઓને ગમે તે ભોગે ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા કુલ ૧૭ ખાસ તપાસ ટીમોની રચના કરવામાં આવી છે. થેની જિલ્લાની સરહદોને અડીને આવેલા પડોશી ડિડીગુલ જિલ્લામાં તકેદારીના ભાગરૂપે ૧૬ જેટલી સ્પેશિયલ ચેકપોસ્ટ સ્થાપિત કરવામાં આવી છે. આ હાઇવે અને આંતરિક માર્ગો પર પોલીસ જવાનો દ્વારા બસો, ટ્રકો, કાર અને ટુ-વ્હીલર જેવા તમામ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
આ કેદીઓ જેલમાંથી કઈ રીતે બહાર નીકળ્યા અને કઈ દિશામાં ફરાર થયા તેની ચોક્કસ કડીઓ મેળવવા માટે ફોરેન્સિક ટીમ અને ટેકનિકલ સેલની મદદ લેવામાં આવી રહી છે. પ્રારંભિક તપાસમાં જેલ રક્ષકોની બેદરકારી કે કોઈ આયોજનબદ્ધ ષડયંત્ર હોવાની શંકા સેવાઈ રહી છે. ભાગી ગયેલા કેદીઓ આસપાસના ગ્રામ્ય વિસ્તારો કે જંગલ વિસ્તારમાં છુપાયા હોવાની આશંકાને પગલે ખાસ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. પોલીસ અને ગુપ્તચર વિભાગ દ્વારા સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવાની સાથે શંકાસ્પદ અડ્ડાઓ પર સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે, જેથી તમામ ફરાર કેદીઓને જલદીથી જેા પાછળ ધકેલી શકાય.
