JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

રેમન્ડની એરોસ્પેસ અને ડિફેન્સબિઝનેસમાં ધમાકેદાર એન્ટ્રી, આવક વધીને 139 કરોડ પર પહોંચી

Oct 27, 2026 | 18:45 | By JAMNAGAR MIRROR
રેમન્ડની એરોસ્પેસ અને ડિફેન્સબિઝનેસમાં ધમાકેદાર એન્ટ્રી, આવક વધીને 139 કરોડ પર પહોંચી

કાપડ માટે જાણીતી બ્રાન્ડ રેમન્ડ હવે એન્જિનિયરિંગ સેક્ટરમાં પણ ચમકી રહી છે. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીની એરોસ્પેસ અને ડિફેન્સબિઝનેસની આવક 72% વધી છે અને કુલ આવકનો પાંચમો ભાગ હવે આ જ સેક્ટરથી આવે છે.

કપડના વેપારથી દુનિયાભરમાં જાણીતી બનેલી કંપની રેમન્ડ હવે એરોસ્પેસ અને ડિફેન્સબિઝનેસમાં મોટો ધમાકો કરી રહી છે. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીના આ નવા એરોસ્પેસ અને ડિફેન્સબિઝનેસની આવક સીધી 72% વધીને ₹139 કરોડ પર પહોંચી ગઈ છે, જે ગત વર્ષે આ જ સમયગાળામાં ₹81 કરોડ હતી. રસપ્રદ વાત એ છે કે હવે કંપનીની કુલ આવકનો લગભગ પાંચમો ભાગ એટલે કે 20% હિસ્સો આ જ સેક્ટરથી આવી રહ્યો છે, જે અગાઉ માત્ર 14% હતો. કંપનીએ સ્ટોક એક્સચેન્જમાં રજૂ કરેલા આંકડા મુજબ આ અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ છે અને આ સેક્ટરનો ઓપરેટિંગ પ્રોફિટ પણ 72% વધીને ₹29 કરોડ થઈ ગયો છે.

આ શાનદાર ગ્રોથ પાછળ ગ્લોબલ મેન્યુફેક્ચરર્સ માટે વધેલું પ્રોડક્શન, નવા પ્રોડક્ટ્સ અને ભારતમાં જ જટિલ સબ-સિસ્ટમ્સ બનાવવાની રણનીતિ મુખ્ય કારણ છે. કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ગૌતમ હરિ સિંઘાનિયાના જણાવ્યા મુજબ, મજબૂત ઓર્ડર બુકને કારણે શેરહોલ્ડર્સને સસ્ટેનેબલ અને હાઈ-માર્જિન ફાયદો મળી રહ્યો છે. વર્ષ 1925માં સ્થપાયેલી અને ફૅબ્રિક્સથી શરૂઆત કરનાર રેમન્ડ હવે એક મજબૂત એન્જિનિયરિંગ કંપની તરીકે આગળ વધી રહી છે. કંપનીએ નવેમ્બર 2023માં મૈની પ્રિસિઝન પ્રોડક્ટ્સમાં ₹682 કરોડમાં 59.25% હિસ્સો ખરીદીને એરોસ્પેસ સેક્ટરમાં એન્ટ્રી કરી હતી. આ ઉપરાંત, રેમન્ડના પ્રિસિઝન ટેક્નોલોજી અને ઓટો કમ્પોનન્ટ્સ બિઝનેસની આવક પણ 15% વધીને ₹471 કરોડ થઈ છે, જેમાં વિદેશી નિકાસનો ફાળો 65%થી વધુ છે.

ભવિષ્યની માંગને પહોંચી વળવા માટે રેમન્ડ આંધ્રપ્રદેશમાં નવા પ્લાન્ટ્સ પાછળ મોટું રોકાણ કરી રહી છે, જેમાં એરોસ્પેસ માટે આશરે ₹510 કરોડ અને પ્રિસિઝન ટેક્નોલોજી માટે ₹430 કરોડ ખર્ચવામાં આવી રહ્યા છે. વર્ષના પહેલા 6 મહિનામાં જ કંપનીએ પ્લાન્ટ અને ઇક્વિપમેન્ટ પાછળ આશરે ₹76 કરોડનો ખર્ચ કર્યો છે, જે ગત વર્ષે ₹39 કરોડ હતો. કંપનીની ઓવરઓલ વાત કરીએ તો, આ ક્વાર્ટરમાં કુલ આવક 21% વધીને ₹683 કરોડ થઈ છે અને પ્રોફિટ પણ બમણો થઈને ₹42 કરોડ પર પહોંચ્યો છે. સપ્લાય ચેઇનની સમસ્યાઓ હળવી થવાથી અને નવી ક્ષમતાઓ વધવાથી રેમન્ડ આગામી સમયમાં વધુ મોટા ઓર્ડર્સ પૂરા કરવા માટે પૂરી રીતે તૈયાર છે.

LATEST ARTICLES