કેન્સર જેવી ગંભીર બીમારીની દવાઓ પર મૂળ કિંમત કરતાં 10 ગણા વધુ ભાવ વસૂલાતા હોવા પર સુપ્રીમ કોર્ટે સખત નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે કેન્દ્ર સરકારને આડે હાથ લેતા સવાલ કર્યો છે કે શું સરકાર લોકો માટે છે અને આ આખી લૂંટ ક્યાં સુધી ચાલશે?
કેન્સર જેવી જીવલેણ બિમારીની જીવનરક્ષક દવાઓના આસમાને પહોંચેલા ભાવો મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે અને કોર્ટે પોતાનો આદેશ અનામત રાખ્યો છે. સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે આ ગંભીર બાબતે કેન્દ્ર સરકારને આકરી ફટકાર લગાવી હતી. કોર્ટે તમામ પક્ષકારોને આગામી 2 અઠવાડિયાની અંદર પોતાની લેખિત રજૂઆત દાખલ કરવાનો આદેશ આપ્યો છે. હોસ્પિટલો દ્વારા કેન્સરની દવાઓને તેની મૂળ કિંમત કરતાં 10 થી 12 ગણા વધુ ભાવે વેચવામાં આવી રહી છે, જેને લઈને કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી હતી કે દર્દીઓને ખુલ્લેઆમ લૂંટવામાં આવી રહ્યા છે.
સુપ્રીમ કોર્ટે લાલઘૂમ થઈને કેન્દ્ર સરકારને ઝાટક્યું હતું કે આ તો ધોળા દિવસે લૂંટ ચાલી રહી છે અને આખરે આ બધું શું ચાલી રહ્યું છે. કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ જણાવ્યું કે સરકાર સતત સુધારાઓ કરી રહી છે, જેના પર કોર્ટે ટકોર કરી હતી કે આ ફેરફારો મનસ્વી છે કારણ કે તે ₹11000 થી લઈને ₹130000 સુધીના ભાવના જંગી તફાવતને દૂર કરવામાં નિષ્ફળ રહ્યા છે. કોર્ટે ચોંકાવનારું ઉદાહરણ આપતા કહ્યું કે કીમોથેરાપીમાં વપરાતા જે ઇન્જેક્શનની મૂળ કિંમત ₹11000 છે, તેને ખાનગી હોસ્પિટલો ₹110000 થી લઈને ₹130000 સુધીના ભાવે વેચે છે. સરકારે સોગંદનામામાં સ્વીકાર્યું હતું કે ટ્રેડ માર્જિન 30% સુધી સીમિત છે, જે એમઆરપી પર લાગુ થાય છે.
આ કેસની વધુ તપાસમાં સામે આવ્યું કે લગભગ 90% દવાઓ ડ્રગ પ્રાઈસ કંટ્રોલ ઓર્ડરના દાયરામાંથી બહાર છે અને દવા કંપનીઓ પાસેથી ₹8000 કરોડની વસૂલાત હજી પણ પેન્ડિંગ છે. અદાલતે નોંધ્યું કે સરકાર આયુષ્માન ભારત જેવી યોજનાઓ હેઠળ ₹5 લાખ સુધીનો સારવાર ખર્ચ આપે છે, પરંતુ દવાઓના આ આંધળા નફાખોરીના કારણે સમગ્ર આર્થિક બોજ અંતે સામાન્ય દર્દી અને તેના પરિવાર પર જ પડે છે. કોર્ટે કેન્દ્રને સ્પષ્ટ કરવા કહ્યું છે કે આવશ્યક દવાઓ નક્કી કરવા માટે કયા માપદંડો અપનાવાય છે અને ખાનગી હોસ્પિટલોમાં આટલો મોટો તફાવત શા માટે છે.
