ચૂંટણી પંચ અને ચીફ ઇલેક્શન કમિશનર સામે વિપક્ષ દ્વારા ચાલી રહેલા આંદોલનના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં લોકતંત્ર બચાવો અને અરાજકતા હટાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે આજે રાજકોટ શહેરમાં એક ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. બહુમાળી ભવન ચોક ખાતેથી શરૂ થયેલી આ પદયાત્રામાં વિપક્ષના રાજકીય એજન્ડાનો જડબાતોડ જવાબ આપવાનો અને પાર્ટીનો અભિગમ જનતા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં નેતાઓ અને કાર્યકર્તાઓએ જોરશોરથી કોંગ્રેસ હાય હાયના નારા લગાવ્યા હતા.
આ વિશાળ પદયાત્રામાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરના સાંસદો, મંત્રીઓ, ધારાસભ્યો, નગરપાલિકાઓ, ગ્રામ પંચાયતો અને માર્કેટ યાર્ડના ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ તેમજ સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બહુમાળી ભવન ચોક ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, ગુજરાત સંગઠન પ્રભારી તરૂણ ચૂગ, સહ પ્રભારી અરૂણ બિનાડી, પ્રદેશ મહામંત્રી અનિરુધ્ધ દવે, પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજકોટ શહેર ભાજપ અધ્યક્ષ ડો. માધવભાઇ દવે અને પ્રદેશ અગ્રણી રાજુભાઈ ધ્રુવ સહિતના દિગ્ગજ નેતાઓની આગેવાનીમાં આ યાત્રા નીકળી હતી, જેમાં અંદાજે 10000થી વધુ કાર્યકરો અને શહેરીજનો જોડાયા હતા.
બહુમાળી ભવન ચોકથી પ્રાસંગિક પ્રવચનો બાદ પ્રારંભ થયેલી આ પદયાત્રા યાજ્ઞિક રોડ અને માલવિયા ચોક થઈને ત્રિકોણબાગ ખાતે પહોંચી હતી જ્યાં તેનું સમાપન કરવામાં આવ્યું હતું. ગુજરાતના તમામ મોટા શહેરોમાં ચાલી રહેલા આ અભિયાનને સફળ બનાવવા માટે પ્રદેશ અને શહેર સંગઠનની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમના માધ્યમથી ભાજપે શક્તિ પ્રદર્શન કરીને વિપક્ષ સામે મોરચો ખોલ્યો છે અને આગામી સમયમાં પણ આ પ્રકારના જનસંપર્ક કાર્યો ચાલુ રહેશે તેવો સંકેત આપ્યો છે.
