જામનગર મહાનગર પાલિકાની આગામી સામાન્ય સભા બુધવાર, તા. 28-10-2026ના રોજ મળવા જઈ રહી છે, જેમાં શહેરના વિકાસ અને નાગરિકોના હિતને લગતા કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવશે. મેયર મોનિકાબેન વ્યાસના અધ્યક્ષસ્થાને સવારે 11:30 કલાકે મળનારી આ બેઠકમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ બાયલોગને મંજૂરી આપવાનો મુખ્ય ઠરાવ પસાર કરવામાં આવશે. આ બેઠકમાં શહેરની સફાઈ વ્યવસ્થા અને કચરાના નિકાલ માટે સરકારની નવી પોલિસી મુજબ કામગીરી કરવાનો રસ્તો સાફ થશે.
આ બેઠકમાં ખાસ કરીને પેન્શનરો અને તેમના પરિવારો માટે એક રાહતરૂપ દરખાસ્ત રજૂ થવાની છે, જેમાં જો કોઈ પેન્શનરનું અવસાન થાય તો તેમના પરિવારને પેન્શનની રકમ મુજબ ઉચ્ચક વળતર ચૂકવવાની જોગવાઈને મંજૂરી અપાશે. આ ઉપરાંત શિક્ષણક્ષેત્રે મોટું પગલું ભરતા શહેરની શાળા નં. 42નું પુનઃનિર્માણ અને આધુનિકરણ કરવાની દરખાસ્તને પણ સત્તાવાર બહાલી આપવામાં આવશે.
આ સામાન્ય સભામાં મંજૂર થનારા સોલીડ વેસ્ટના નવા નિયમોથી શહેરમાં કચરા નિકાલની પ્રક્રિયા વધુ વ્યવસ્થિત બનશે. સ્થાનિક સ્તરે લેવાનારી આ દરખાસ્તોના અમલીકરણથી જામનગરવાસીઓને આગામી સમયમાં વધુ સારી સુવિધાઓ મળતી થશે અને મ્યુનિસિપલ તંત્રની કામગીરીમાં પણ વેગ આવશે.
