JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
કૃષિ

રાજ્યના ૪ જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર, ખેડૂતો અને પશુપાલકો માટે સહાયની મોટી જાહેરાત

Oct 27, 2026 | 16:51 | By JAMNAGAR MIRROR
રાજ્યના ૪ જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર, ખેડૂતો અને પશુપાલકો માટે સહાયની મોટી જાહેરાત
ઓછો અને વિલંબિત વરસાદ થવાથી રાજ્યના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને પાક નુકસાની સામે હેક્ટર દીઠ સહાય અને પશુપાલકો માટે રાહતદરે ઘાસચારો આપવાની જાહેરાત કરી છે.

ગુજરાતમાં આ વર્ષે સરેરાશ 89 ટકા વરસાદ નોંધાયો છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં મેઘરાજાની કૃપા ઓછી રહી છે જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે એક સંવેદનશીલ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું હતું કે ભારત સરકારની ગાઇડલાઇન મુજબ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગર જિલ્લામાં વરસાદનું પ્રમાણ ઓછું હોવાથી આ 4 જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારોના ખેડૂતો મુશ્કેલીમાં ન મુકાય તે માટે સરકાર સંપૂર્ણપણે તેમની પડખે ઊભી છે.

આ દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓના ખેડૂતોને પાક નુકસાન સામે એસડીઆરએફના ધોરણો મુજબ 8500 રૂપિયા પ્રતિ હેક્ટર લેખે 2 હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવશે. પશુપાલકોની વ્હારે આવતા સરકારે જૂન-જૂલાઈથી જ રાહતદરે ઘાસચારો આપવાનું શરૂ કરી દીધું છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં 1.21 કરોડ કિલોગ્રામ ઘાસ માત્ર 2 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વિતરિત કરવામાં આવ્યું છે અને સરકાર પાસે હાલ 3 કરોડ કિલોગ્રામ ઘાસ ઉપલબ્ધ છે. ઉપરાંત, પશુ કેમ્પમાં પશુ દીઠ રોજની 80 રૂપિયા સહાય તેમજ ગ્રામીણ વિસ્તારમાં રોજગારી માટે 150 માનવદિન કામ આપવાનો નિર્ણય કરાયો છે, જેનો અમલ 01/11/2026થી થશે.

રાજ્યમાં પાણીની સ્થિતિની વાત કરીએ તો ચાલુ વર્ષે મુખ્ય 206 ડેમોમાં 66 ટકા જળસંગ્રહ થયો છે અને આગામી રવિ સિઝન માટે 76 ડેમોના કમાન્ડ વિસ્તારમાં સિંચાઈનું પાણી આપવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ સાથે જ પ્રજાને પીવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે 30/06/2027 સુધી પીવાનું પાણી અનામત રાખવામાં આવ્યું છે. રાજ્ય સરકારના આ તમામ ઉદારતમ નિર્ણયોથી મુશ્કેલ સમયમાં ખેડૂતો અને પશુપાલકોને મોટી રાહત મળશે.

LATEST ARTICLES