JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાજ

દ્વારકા પંથકમાં સીએસઆર પ્રવૃત્તિઓથી બદલાય રહી છે ગ્રામીણ લોકોની જીંદગી

Oct 27, 2026 | 16:51 | By JAMNAGAR MIRROR
દ્વારકા પંથકમાં સીએસઆર પ્રવૃત્તિઓથી બદલાય રહી છે ગ્રામીણ લોકોની જીંદગી
આરએસપીએલ ગ્રુપ દ્વારા દ્વારકા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ અને કૌશલ્ય વિકાસ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્યો કરવામાં આવી રહ્યા છે. આ સેવાકીય પહેલોથી હજારો વિદ્યાર્થીઓ, મહિલાઓ અને ગ્રામવાસીઓને સીધો લાભ મળી રહ્યો છે.

દ્વારકા તાલુકામાં આરએસપીએલ ગ્રુપના સોડાએશ પ્લાન્ટ દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એટલે કે સીએસઆર હેઠળ વિવિધ રચનાત્મક કાર્યો કરવામાં આવી રહ્યા છે. આ ગ્રુપ દ્વારા પંથકના ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય અને મહિલા ઉત્થાન માટે નિયમિતપણે સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે, જેના કારણે સામાન્ય લોકોનું જીવન ધોરણ ઊંચું આવી રહ્યું છે. ખાસ કરીને શિક્ષણ અને રોજગારક્ષમતા આ પહેલના કેન્દ્રમાં છે, જેનાથી પછાત ગણાતા વિસ્તારોના બાળકોને આગળ વધવાની સોનેરી તકો મળી રહી છે. અત્યાર સુધીમાં આ શૈક્ષણિક પહેલોથી 12 ગામોની 35 સરકારી શાળાઓના 25,000થી વધુ વિદ્યાર્થીઓ પર સકારાત્મક અસર જોવા મળી છે, જેમાં વર્ગખંડોનું નિર્માણ અને શુદ્ધ પીવાલાयक પાણી જેવી સુવિધાઓ સામેલ છે.

શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા વધારવા માટે આરએસપીએલ વેલફેર ફાઉન્ડેશન દ્વારા ધોરણ 10 સુધીની અંગ્રેજી માધ્યમની લક્ષ્મી દેવી દયાલદાસ એકેડમીનું સફળ સંચાલન કરવામાં આવે છે, જ્યાં બાળકોને રમતગમત અને સહપાઠય પ્રવૃત્તિઓ સાથે સર્વાંગી વિકાસની તકો મળે છે. પ્રેરણા પહેલ અંતર્ગત શાળા પરીક્ષાઓમાં અવ્વલ આવતા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવે છે જેથી ડ્રોપઆઉટ રેશિયો ઘટે અને કન્યા શિક્ષણને વેગ મળે. આ ઉપરાંત, મહિલા સશક્તિકરણ માટે આયોજિત કમ્પ્યુટર તાલીમ કોર્સમાં 70થી વધુ યુવતીઓ અને મહિલાઓએ ભાગ લઈને ડિજિટલ સાક્ષરતા મેળવી છે. યુવા પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા રાષ્ટ્રીય સ્તરની વોલીબોલ ખેલાડી હેતલબેન સહિતના આશાસ્પદ ખેલાડીઓને તાલીમ અને પોષણ માટે આર્થિક સહાય પણ આપવામાં આવી છે. કુરંગા, ગોકલપર, બામણાસા, નાવદ્રા અને ભાટીયા જેવા ગામોમાં તળાવોનું સૌંદર્યીકરણ, સોલાર લાઇટિંગ અને શૌચાલયોના નિર્માણથી સ્વચ્છતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ મજબૂત બન્યું છે.

આરોગ્ય ક્ષેત્રે પણ આ સંસ્થા દ્વારા લોકઉપયોગી અનેક કામો થયા છે, જેમાં કુરંગા ખાતેનું 24-7 ઓકયુપ્રેશનલ હેલ્થ સેન્ટર વર્ષ 2025-26 દરમિયાન 6,750થી વધુ દર્દીઓને મફત પ્રાથમિક સારવાર આપી ચૂક્યું છે. માધવ હોસ્પિટલના સહયોગથી યોજાયેલા મેડિકલ કેમ્પ્સ દ્વારા વર્ષ 2022થી અત્યાર સુધી અંદાજે 7,000 લોકોએ લાભ લીધો છે તેમજ મિની એમ્બ્યુલન્સ અને આઈસીયુ ઓન વ્હીલ્સના દાન બદલ કંપનીને ગુજરાત ફર્સ્ટ હેલ્થ કોન્કલેવ-2026માં સન્માનિત પણ કરવામાં આવી છે. આ તમામ સામુદાયિક સુવિધાઓ અને સીએસઆર કાર્યોના કારણે ગ્રામલોકો હવે પોતાના સામાજિક પ્રસંગો અને કાર્યક્રમો ગામમાં જ આયોજિત કરી શકે છે, જેનો મોટો ફાયદો આસપાસના વિસ્તારોના લોકોને પણ મળી રહ્યો છે.

LATEST ARTICLES