JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
કૃષિ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો માટે રવિ ઋતુમાં પાણીના કરકસરભર્યા ઉપયોગ સાથે વાવેતર કરવા અપીલ

Oct 27, 2026 | 16:30 | By JAMNAGAR MIRROR
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો માટે રવિ ઋતુમાં પાણીના કરકસરભર્યા ઉપયોગ સાથે વાવેતર કરવા અપીલ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બદલાતી આબોહવા અને પાણીની મર્યાદિત ઉપલબ્ધતા વચ્ચે ખેડૂતોને વૈજ્ઞાનિક પદ્ધતિથી રવિ પાકનું આયોજન કરવા સૂચના અપાઈ છે. જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ટપક સિંચાઈ અપનાવવા અને ભલામણ કરેલી બિયારણની જાતો વાપરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી રવિ ઋતુ ૨૦૨૬-૨૭ દરમિયાન બદલાતી આબોહવા, ચોમાસાના વરસાદની અનિયમિતતા અને જળાશયોમાં પાણીની મર્યાદિત ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને ખેડૂતોને સુઆયોજિત રીતે રવિ પાકોનું વાવેતર કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે. ખેડૂતોએ પોતાના ખેતરમાં ઉપલબ્ધ પિયતના સ્ત્રોત અને પાણીની સ્થિતિ મુજબ યોગ્ય પાકની પસંદગી કરી ખેતીનું આયોજન કરવું અત્યંત જરૂરી છે. ખેતીવાડી વિભાગ દ્વારા ખરીફ પાકની લણણી બાદ સમયસર જમીન તૈયાર કરી તેમાં રહેલા ભેજનો મહત્તમ ઉપયોગ કરવા તથા વાવણી પહેલાં બિયારણને ફૂગનાશક, કીટકનાશક દવાઓની માવજત આપી રાઈઝોબિયમ અને પીએસબી જેવા જૈવિક ખાતરોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.

વાવણી દરમિયાન બીજનો દર 15થી 20 ટકા વધારવા અને બે હાર વચ્ચેનું અંતર ઘટાડવા તેમજ કૃષિ નિષ્ણાતોની ભલામણ મુજબ આયોજન કરવા જણાવાયું છે. પાણીની અછતની સ્થિતિમાં ખુલ્લા ધોરિયાથી પિયત આપવાને બદલે ટપક પદ્ધતિ અપનાવવાથી અંદાજે 35થી 50 ટકા સુધી પાણીની બચત થઈ શકે છે. આ ઉપરાંત ચણા માટે ગુજરાત ચણા-1, 2, 5, 7, 8, 14 અને 6, રાયડા માટે ગુજરાત રાયડો-7, 8 અને જી.ડી.એમ.-4, જીરા માટે ગુજરાત જીરું-4 તેમજ ધાણા માટે ગુજરાત ધાણા-4 જેવી ભલામણ કરેલી જાતોનું વાવેતર કરવા સૂચવાયું છે. મકાઈ, અજમો, રાજગરો અને પશુધન માટે ઘાસચારાના પાકોમાં પણ વિવિધ સુધારેલી જાતો પસંદ કરવા કૃષિ વિભાગે માર્ગદર્શન પૂરું પાડ્યું છે.

જમીનમાં ભેજ જાળવી રાખવા પાકના અવશેષોનું મલ્ચિંગ કરવું, પિયત આપ્યા બાદ વરાપ થયે હળવી આંતરખેડ કરવી અને સેન્દ્રિય ખાતરનો વધુ ઉપયોગ કરવાથી જમીનની ભેજધારણ ક્ષમતામાં મોટો વધારો થાય છે. ખેડૂતોએ હવામાન વિભાગની આગાહી તથા કૃષિ યુનિવર્સિટીઓની ભલામણોને ધ્યાનમાં રાખીને વાવણી અને પિયતનું આયોજન કરવું જોઈએ. આ તમામ બાબતો અંગે વધુ માહિતી માટે ખેડૂતો ગ્રામ પંચાયતના ગ્રામસેવક અથવા તાલુકા અને જિલ્લા ખેતીવાડી કચેરીનો સંપર્ક કરી શકે છે.

LATEST ARTICLES