ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્યના ચારેય મહત્વના જિલ્લાઓ એટલે કે દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાનો મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ચારેય વિસ્તારોમાં સિઝન દરમિયાન અત્યંત ઓછો વરસાદ પડવાને કારણે અન્નદાતા એવા ખેડૂતો અને પશુપાલકોની મુશ્કેલીઓ વધી ગઈ હતી, જેને ધ્યાનમાં રાખીને સરકારે આ રાહતરૂપ કદ ઉઠાવ્યું છે.
આ નિર્ણયના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, લોકસભા સાંસદ પૂનમબેન માડમ, રાજયસભા સાંસદ જીતેન્દ્ર કણઝારીયા તેમજ ધારાસભ્યો મૂળુભાઈ બેરા અને પબુભા માણેક દ્વારા સરકારના આ નિર્ણયને સત્તાવાર રીતે આવકારવામાં આવ્યો છે. આ ઉપરાંત યુવરાજસિંહ વાઢેર, પરબતભાઈ ભાદરકા, રાજુભાઈ ભરવાડ, વનરાજસિંહ વાઢેર, રચનાબેન મોટાણી અને જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના અગ્રણીઓએ પણ સરકારના આ ખેડૂતક્ષેમી પગલાની પ્રશંસા કરી છે.
સરકારના આ નિર્ણયથી કુદરતી આપત્તિ અને અપૂરતા વરસાદ સામે ઝઝૂમી રહેલા ખેડૂતો તથા પશુપાલકોને મોટી રાહત મળવાની આશા બંધાઈ છે. આગામી સમયમાં આ જિલ્લાઓમાં સરકારી સહાય અને રાહત પેકેજના અમલીકરણ દ્વારા લોકોને આર્થિક સંકટમાંથી બહાર લાવવા માટેના જરૂરી પગલાં લેવામાં આવશે, જેથી ગ્રામીણ બેડામાં હાશકારો અનુભવાઈ રહ્યો છે.
