અમદાવાદ શહેરમાં અગાઉ શાળાઓ અને અનેક સંવેદનશીલ સ્થળોને નિશાન બનાવ્યા બાદ હવે સ્થાનિક સ્વરાજ્યની સર્વોચ્ચ સંસ્થા સમાન અમદાવાદ મહાનગરપાલિકા (AMC) ના મુખ્ય મથકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ભારે સનસનાટી મચી ગઈ છે. દાણાપીઠ સ્થિત હેડક્વાર્ટરમાં આવેલી મેયર ઓફિસને ઉડાવી દેવાનો એક ધમકીભર્યો ઈમેઈલ મળતાં જ વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી. અજાણ્યા શખ્સ દ્વારા મોકલવામાં આવેલા આ ઈમેઈલમાં બપોરે 2:11 વાગ્યે બોમ્બ વિસ્ફોટ કરવાનો ચોક્કસ સમય પણ આપવામાં આવ્યો હતો, જેના કારણે તંત્ર તાત્કાલિક હરકતમાં આવી ગયું હતું.
AMC ના સત્તાવાર મેઈલ આઈડી પર આવેલા આ સંદેશામાં મેયર ઓફિસમાં બોમ્બ મૂકવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું. અધિકારીઓના જણાવ્યા મુજબ, મેયર કાર્યાલયને ટાર્ગેટ કરતો આ પ્રકારનો ધમકીભર્યો ઈમેઈલ છેલ્લી ત્રણેક વાર મળી ચૂક્યો છે, જેથી સુરક્ષા એજન્સીઓએ તેને જરાય હળવાશથી લીધો નથી. મેઈલ મળતાની સાથે જ સ્ટાફે તુરંત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસ કંટ્રોલ રૂમને આ બાબતની જાણ કરી દીધી હતી, જેના પગલે તાત્કાલિક ધોરણે સુરક્ષાના કડક પગલાં લેવામાં આવ્યા હતા.
ધમકી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS), સ્નિફર ડોગ્સ અને ફાયર બ્રિગેડની ટીમો તાબડતોબ દાણાપીઠ સ્થિત મ્યુનિસિપલ કોર્પોરેશન સંકુલ ખાતે દોડી ગઈ હતી. સાવચેતીના ભાગરૂપે મેયર ઓફિસ અને આસપાસના સંવેદનશીલ વિસ્તારોને ખાલી કરાવીને કોર્ડન કરી લેવામાં આવ્યા હતા. મેટલ ડિટેક્ટર અને ડોગ સ્ક્વોડની મદદથી મેયરની ચેમ્બર, સ્ટાફ રૂમ, કોન્ફરન્સ હોલ અને પાર્કિંગ સહિતના ખૂણે-ખૂણે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. બીજી તરફ, સાયબર ક્રાઈમ બ્રાન્ચની વિશેષ ટેકનિકલ ટીમ આ ધમકીભર્યો ઈમેઈલ ક્યાંથી મોકલવામાં આવ્યો છે તેનું ઓરિજિન, પ્રોક્સી સર્વર અને આઈપી (IP) એડ્રેસ ટ્રેક કરવા માટે કામે લાગી ગઈ છે.
