JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

ચંદીગઢની ફાર્મા કંપનીએ વફાદાર કર્મચારીઓને દીવાળી બોનસમાં ભેટમાં આપી નવી કાર

Oct 27, 2026 | 14:35 | By JAMNAGAR MIRROR
ચંદીગઢની ફાર્મા કંપનીએ વફાદાર કર્મચારીઓને દીવાળી બોનસમાં ભેટમાં આપી નવી કાર
જ્યારે દેશભરમાં કંપનીઓ ખર્ચ ઘટાડી રહી છે અને નોકરીઓ પર જોખમ તોળાઈ રહ્યું છે, ત્યારે એક કંપનીના CEO એ પોતાના વફાદાર સ્ટાફને Kia Sonet કાર ભેટમાં આપી છે. સતત ચોથા વર્ષે આ પ્રથા જાળવી રાખીને કંપનીએ કર્મચારીઓને મોટી ભેટ આપી છે અને આ કાર સીધી કર્મચારીઓના નામે જ રજિસ્ટર કરવામાં આવી છે.

જ્યારે આજકાલ અનેક કંપનીઓમાં નોકરી જવાનો ડર અને કોસ્ટ કટિંગનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે ચંદીગઢની એક ફાર્મા કંપનીએ પોતાના કર્મચારીઓ પ્રત્યે અનોખો પ્રેમ દાખવીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. MITS ગ્રૂપ ઓફ કંપનીઝના ફાઉન્ડર અને ચેરમેન MK ભાટિયાએ તેમની કંપની Mits હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડના 4 વફાદાર અને બેસ્ટ પરફોર્મન્સ આપનાર કર્મચારીઓને બ્રાન્ડ ન્યૂ Kia Sonet એસયુવી કાર ભેટમાં આપી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડિયોમાં આ ભેટ મળતા કર્મચારીઓના ચહેરા પર ખુશી સાતમા આસમાને જોવા મળી રહી છે, જ્યાં તહેવારોમાં માત્ર મીઠાઈઓ મળતી હોય છે ત્યાં આવી મોટી ભેટ મળવી ખરેખર કર્મચારીઓ માટે એક સપનું સાકાર થવા જેવું છે.

આ શાનદાર કાર ડિલિવરી સેરેમનીનો વિડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે, જેમાં MK ભાટિયા પોતે BMW કારમાં ડીલરશિપ પર પહોંચ્યા હતા અને ઢોલ-નગારાના તાલે કર્મચારીઓએ એક પછી એક પોતાની ગાડીઓ પરથી કાળું કપડાંનું આવરણ હટાવ્યું હતું. આ ગાડીઓની સ્કીમ સમજાવતા કર્મચારીઓએ જણાવ્યું કે કંપની કારની કિંમતની 30 ટકા રકમ ડાઉન પેમેન્ટ તરીકે ભરે છે અને EMIની રકમ કર્મચારીના પગારમાં જ જોડી દેવામાં આવે છે, જ્યાં સુધી કર્મચારી કંપની સાથે જોડાયેલા રહે છે. ખાસ વાત એ છે કે આ ગાડીઓ કંપનીના નહીં પરંતુ સીધી કર્મચારીઓના પોતાના નામે જ રજિસ્ટર કરવામાં આવે છે, એટલું જ નહીં પરંતુ નવા કર્મચારીઓ માટે લકી ડ્રોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં 36 નવા કર્મચારીઓએ ભાગ લીધો છે અને વિનરને કોઈ પણ વધારાના ખર્ચ વગર ગાડી મળશે.

MK ભાટિયા દ્વારા કર્મચારીઓને ગાડી ભેટમાં આપવાની આ પહેલી ઘટના નથી, પરંતુ તેઓ સતત ચોથા વર્ષે આ પ્રથા નિભાવી રહ્યા છે. ગત વર્ષે દીવાળી પર તેમણે 51 કર્મચારીઓને મહિન્દ્રા સ્કોર્પિયો અને ટાટા પંચ જેવી ગાડીઓ ભેટમાં આપી હતી, જ્યારે ક્રિસમસ પર પણ 6 નિસાન મેગ્નેટ કાર આપી હતી. આ ઉપરાંત કંપની કર્મચારીઓને દર મહિને 2500 રૂપિયા ફ્યુઅલ એલાઉન્સ પણ આપે છે અને ઓફિશિયલ કામ માટે અલગથી ખર્ચ ચૂકવાય છે. વર્ષ 2002માં નાદારી નોંધાવાના આઘાતમાંથી બહાર આવીને વર્ષ 2015માં MITS ગ્રૂપની સ્થાપના કરનાર MK ભાટિયા આજે સેંકડો લોકોને રોજગારી આપી રહ્યા છે અને કર્મચારીઓની વફાદારીને બિરદાવવાની તેમની આ અનોખી રીત સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બની છે.

LATEST ARTICLES