કહેવત છે ને કે કાયદાના હાથ બહુ લાંબા હોય છે, અને આજે નહીં તો કાલે ગુનેગાર કાયદાના શંકાસ્પદ ઘેરામાં આવી જ જાય છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો અમરેલી જિલ્લાના રાજુલાથી સામે આવ્યો છે, જ્યાં પોલીસે અંદાજે 27 વર્ષથી પોલીસને થાપ આપીને ફરાર થયેલા એક ચાલાક આરોપીને આખરે દબોચી લીધો છે. રાજુલા પોલીસ સ્ટેશનમાં વર્ષ 1999 માં નોંધાયેલી એક ગંભીર ફરિયાદના આધારે પોલીસે મહારાષ્ટ્રના નાગપુરથી આ આરોપીની ધરપકડ કરી છે, જે મૂળ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાનો રહેવાસી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી અબ્દુલ સત્તાર મોહમ્મદ હબીબ કુરેશી તે સમયે મહેતા ટ્રાન્સપોર્ટમાં ટ્રક ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. તેણે રાજુલા નજીક કોવાયા સ્થિત સિમેન્ટ ફેક્ટરીમાંથી અંદાજે 30 ટન વજન ધરાવતી સિમેન્ટની 600 બોરીઓ ભરીને સુરત પહોંચાડવાની હતી, પરંતુ રસ્તામાં જ તે માલ સગેવગે કરીને ટ્રકને તરછોડીને ફરાર થઈ ગયો હતો. આ મામલે રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદથી આરોપી લાંબા સમયથી પોલીસ પકડથી દૂર હતો અને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરાયો હતો.
આ કેસને ઉકેલવા માટે રાજુલા પોલીસની સર્વેલન્સ ટીમે વિશેષ ઝુંબેશ ચલાવી હતી જેમાં ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાની એસઆરઆઈ યાદીના આધારે એકસરખાં નામ ધરાવતા અંદાજે 150 લોકોમાંથી સાચા આરોપીની ઓળખ કરવી મોટો પડકાર હતો. રાજુલાના ડીવાયએસપી નયના ગોરડિયાના માર્ગદર્શન હેઠળ પોલીસે ચાર સંભવિત નામોની કાળજીપૂર્વક ચકાસણી કરી હતી. આ દરમિયાન આરોપીના મોબાઈલ નંબરના સીડીઆરનું એનાલિસિસ કરતા તેનું લોકેશન મહારાષ્ટ્રના નાગપુર હોવાનું ખુલતા જ પોલીસ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને તેને પકડી પાડ્યો હતો.
