JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
આરોગ્ય

વડોદરામાં તહેવાર ટાણે ખાદ્ય પદાર્થો પર તવારા, લેવાયેલા નમૂનાઓમાંથી 19 ફેઈલ

Oct 27, 2026 | 14:05 | By JAMNAGAR MIRROR
વડોદરામાં તહેવાર ટાણે ખાદ્ય પદાર્થો પર તવારા, લેવાયેલા નમૂનાઓમાંથી 19 ફેઈલ
તહેવારોની મોસમમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલા ખાદ્ય પદાર્થોના સેમ્પલમાંથી 19 સેમ્પલ સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયા છે. ઘી અને તેલ જેવા અતિ મહત્વના ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ સામે આવતા વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

વડોદરા શહેરમાં તહેવારોની ધમાચકડી વચ્ચે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી ગંભીર બાબત સામે આવી છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા બજારમાંથી વિવિધ ખાદ્ય પદાર્થોના શંકાસ્પદ સેમ્પલ એકત્રિત કરીને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાંથી કુલ 19 નમૂનાઓ ગુણવત્તાના નિર્ધારિત ધોરણો પર ખરા ઊતરવામાં નિષ્ફળ ગયા છે અને સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયા છે. તહેવારના દિવસોમાં જ ખાણી-પીણીની ચીજવસ્તુઓમાં આ પ્રકારની લાપરવાહી સામે આવતા લોકોમાં પણ ચિંતાનો માહોલ છવાઈ ગયો છે.

આ તપાસમાં અનેક જાણીતા વિસ્તારો અને એકમોના સેમ્પલ ફેઈલ થયા હોવાનું બહાર આવ્યું છે. જેમાં સમા-સાવલી રોડ પરથી લેવાયેલું અનાયા નેચરલ ઓઈલ, સરદાર એસ્ટેટ વિસ્તારમાં આવેલી તાજ ડેરીનું ઘી, તેમજ માંજલપુર સ્થિત શ્રી રામ દુગ્ધાલય અને મકરપુરા રોડ પર આવેલું અખર ડેરી ફાર્મમાંથી લેવાયેલા ખુલ્લા ઘીના સેમ્પલનો સમાવેશ થાય છે. આ તમામ સેમ્પલ લેબ ટેસ્ટમાં ગુણવત્તા બાબતે ઊતરતા સાબિત થયા છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં લઈને આરોગ્ય વિભાગે સંબંધિત ડેરી સંચાલકો અને એકમો સામે કાયદેસરની લાલ આંખ કરીને કાર્યવાહીનો ધમધમાટ શરૂ કરી દીધો છે.

બીજી બાજુ, દશેરાના પર્વ નિમિત્તે પણ તંત્ર દ્વારા કેટલાક ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેના રિપોર્ટ હજુ સુધી આવ્યા નથી. આગામી દિવસોમાં આ રિપોર્ટ્સ આવ્યા બાદ વધુ ચોંકાવનારી વિગતો બહાર આવવાની પૂરી શક્યતા છે. તહેવારો ટાણે મીઠાઈ, ઘી અને અન્ય જીવનજરૂરી ખાદ્ય ચીજોનું વેચાણ મોટા પ્રમાણમાં થતું હોય છે, ત્યારે નાગરિકોએ પણ કોઈપણ વસ્તુ ખરીદતી વખતે તેની ગુણવત્તા અને બ્રાન્ડનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ અનિવાર્ય બની ગયું છે.

LATEST ARTICLES