વેસ્ટ એશિયામાં ચાલી રહેલા સંકટની સીધી અસર હવે ભારત સરકારના અર્થતંત્ર પર પણ દેખાઈ રહી છે. આ ક્રાઈસિસના કારણે સરકાર પર અંદાજે 1.35 લાખ કરોડ રૂપિયાનો ફિસ્કલ બોજો આવી શકે છે, પરંતુ રાહતની વાત એ છે કે સરકારે કોઈ મોટા ખર્ચ કાપવા નહીં પડે. જાણીતી રેટિંગ એજન્સી આઈસીઆરએના ચીફ ઇકોનોમિસ્ટ અદિતિ નાયરે એક ખાસ ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે ફર્ટિલાઈઝર અને એલપીજી સબસિડી તેમજ એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડાને કારણે સરકારની નાણાકીય સ્થિતિ પર થોડું દબાણ ચોક્કસ વધ્યું છે, પરંતુ સરકારની અગાઉની બચત તેને પહોંચી વળવા માટે પૂરતી છે.
આ વધારાના બોજા સામે સરકારને સોના અને ચાંદીની આયાત પર મળી રહેલી ઊંચી કસ્ટમ્સ ડ્યૂટીથી મોટો ટેકો મળી રહ્યો છે. તાજેતરના વર્ષોમાં સરકારનો વાસ્તવિક ખર્ચ અંદાજ કરતા ઓછો રહ્યો છે, જેના કારણે આ વધારાનો ખર્ચ શોષી લેવા માટે પૂરતી નાણાકીય છૂટ મળી રહે છે. ચાલુ વર્ષે સરકારનું બજેટ 2026-27 માટે ફિસ્કલ ડેફિસિટ જીડીપીના 4.3 ટકા અને ડેટ-ટુ-જીડીપી રેશિયો 55.6 ટકા રહેવાનું અનુમાન છે. વળી, નાની બચત યોજનાઓમાં પણ કલેક્શન ગત વર્ષ કરતા સારું રહ્યું છે, જેથી બોરોઈંગ વધારવાની જરૂર નહીં પડે, ભલે 20 થી 30 બેસિસ પોઈન્ટ્સની સામાન્ય ફિસ્કલ સ્લિપજ કેમ ન થાય.
મહત્વની વાત એ છે કે આ મુશ્કેલીઓ છતાં દેશનું અર્થતંત્ર મજબૂત સ્થિતિમાં છે અને આઈસીઆરએના અંદાજ મુજબ નાણાકીય વર્ષ 2027ના બીજા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ 7 ટકાથી વધુ રહેશે. જોકે, મોંઘવારીના મોરચે ઓક્ટોબરમાં રિટેલ ઇન્ફ્લેશન 6 ટકા વટાવી જવાની શક્યતા છે, જેને પગલે આરબીઆઈ ડિસેમ્બરની પોલિસીમાં વ્યાજદરમાં વધારો કરી શકે છે. ફુગાવા અને ક્રૂડ ઓઈલની સ્થિતિ પર નજર રાખવી પડશે, પરંતુ હાલ પૂરતું સરકાર પર કોઈ મોટું નાણાકીય સંકટ ઊભું થાય તેમ નથી.
