JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

એઆઈ જગતમાં ધમાકો, એન્થ્રોપિક કંપની લાવવા જઈ રહી છે દુનિયાનો સૌથી મોટો આઈપીઓ

Oct 27, 2026 | 13:20 | By JAMNAGAR MIRROR
એઆઈ જગતમાં ધમાકો, એન્થ્રોપિક કંપની લાવવા જઈ રહી છે દુનિયાનો સૌથી મોટો આઈપીઓ
ક્લોડ ચેટબોટ બનાવનાર એન્થ્રોપિક કંપની આગામી મહિને વોલ સ્ટ્રીટ પર ડેબ્યુ કરવા તૈયાર છે. આ આઈપીઓ 100 અબજ ડોલર સુધી ફંડ એકત્ર કરી શકે છે, જે સ્પેસએક્સનો રેકોર્ડ તોડીને ઈતિહાસ રચી શકે છે.

ટેકનોલોજી જગતમાંથી એક ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં એઆઈ લેબ એન્થ્રોપિકે સોમવારે પેપર્સ ફાઇલ કરીને આગામી મહિને વોલ સ્ટ્રીટ પર ડેબ્યુ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ હરિફાઈમાં મુખ્ય હરીફ ઓપનએઆઈ કરતા પણ આગળ નીકળીને આ કંપની ઈતિહાસ રચવા જઈ રહી છે. ગત જૂનમાં સ્પેસએક્સ દ્વારા લાવવામાં આવેલા આઈપીઓમાં 86 અબજ ડોલર એકત્ર કરવામાં આવ્યા હતા, પરંતુ હવે માત્ર 5 વર્ષ જૂની આ સ્ટાર્ટઅપ કંપની એન્થ્રોપિકનો આઈપીઓ 100 અબજ ડોલર સુધી ફંડ લાવી શકે છે. કંપનીના સીઈઓ ડારિયો અમોદઈનું માનવું છે કે સુરક્ષાના પગલાં પૂરતા સમય માટે વિકસી શકે તે માટે ઈન્ડસ્ટ્રીએ સ્પીડ થોડીધીમી રાખવી જોઈએ, છતાં કંપનીનું તોતિંગ ખર્ચ અને જબરદસ્ત રેવન્યુ તેની મજબૂત ગતિ દર્શાવે છે.

આ 335 પાનાના પ્રોસ્પેક્ટસ અનુસાર કંપનીનું વેલ્યુએશન પબ્લિક થયા પછી 2 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી શકે છે, જે સ્પેસએક્સના 1.77 ટ્રિલિયન ડોલરના વેલ્યુએશનને પાછળ છોડી દેશે. હાલમાં કમ્પ્યુટર ચિપ બનાવતી એનવીડિયા કંપની 5 ટ્રિલિયન ડોલરથી વધુના વેલ્યુએશન સાથે મોખરે છે. એન્થ્રોપિક પાસે 30 જૂન સુધીમાં 131.7 અબજ ડોલર કેશ અથવા કેશ-ઇક્વિવેલન્ટ તરીકે ઉપલબ્ધ હતા. ચાલુ વર્ષના પહેલા જ અર્ધગાળામાં કંપનીની રેવન્યુ 16.3 અબજ ડોલર રહી છે, જે ગત વર્ષના આ જ સમયગાળા કરતા લગભગ 14 ગણી વધારે છે. જોકે આ જ સમયગાળામાં ફાઈનાન્સિંગ એગ્રીમેન્ટ્સના કારણે 72.4 અબજ ડોલરના વન-ટાઇમ ચાર્જ સાથે કંપનીને 80.7 અબજ ડોલરનું નેટ લોસ પણ થયું છે, જે ટેક કંપનીઓમાં શરૂઆતમાં સામાન્ય ગણાય છે.

આ આઈપીઓની ખાસ વાત એ છે કે કંપનીએ રોકાણકારો માટેના રિસ્ક ફેક્ટર્સ સમજાવવા માટે જ 93 પાનાનો ઉપયોગ કર્યો છે, જેમાં એઆઈ સિસ્ટમ્સ માનવજાત માટે જોખમી બની શકે તેવી ચિંતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. કંપની પાસે એવા અંદાજે 250 કસ્ટમર્સ છે જેમાંથી દરેક પાસેથી ગત વર્ષમાં 10 મિલિયન ડોલર કે તેથી વધુની રેવન્યુ મળી છે, અને ટોચના 5 કસ્ટમર્સ જ કુલ રેવન્યુનો 25 ટકા હિસ્સો ધરાવે છે. પબ્લિક થયા પછી પણ ડારિયો અમોદઈ અને અન્ય 6 કો-ફાઉન્ડર્સ પાસે કંપનીની 50.1 ટકા વોટિંગ પાવર રહેશે. ઓપનએઆઈ છોડીને 2021માં આ કંપની બનાવનાર ડારિયોના બહેન અને પ્રેસિડેન્ટ ડેનિએલા અમોદઈ પણ આ સફળ સફરમાં સામેલ છે.

LATEST ARTICLES