રવિવારે દિલ્હી ખાતે રશિયન સ્ટેટ ડુમાના ચેરમેન વ્યાચેસ્લાવ વોલોડિન અને લોકસભા સ્પીકર ઓમ બિરલા વચ્ચે મહત્વની બેઠક યોજાઈ હતી. આગામી 12મા બ્રિક્સ પાર્લિયામેન્ટરી ફોરમ અગાઉ મળેલી આ બેઠકમાં બંને નેતાઓ વચ્ચે ટ્રેડ, ઈન્ડસ્ટ્રી અને એગ્રીકલ્ચર ક્ષેત્રે સહયોગ વધારવા અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ બેઠક દરમિયાન રશિયન ચેરમેને ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ વર્ષે ભારત અને રશિયા વચ્ચેનો વેપાર 20 ટકા કરતા પણ વધુ વધ્યો છે અને ભવિષ્યમાં પણ વેપારી અવરોધો દૂર કરીને સંયુક્ત બિઝનેસ વેન્ચર્સનો વિસ્તાર કરવાની જરૂર છે. તેમણે આ મજબૂત સંબંધોનો શ્રેય રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન અને ભારતના પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીની આગેવાનીને આપ્યો હતો.
કોમર્સ મંત્રાલયના ડેટા અને રશિયન લેન્ડર સ્બેરબેંકના અહેવાલ મુજબ, વર્ષ 2026ના પ્રથમ 7 મહિનામાં જ બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર વધીને 47.7 અબજ ડોલર પર પહોંચી ગયો છે, જે ગત વર્ષની સરખામણીમાં 24.3 ટકાનો મોટો ઉછાળો દર્શાવે છે. આ સમયગાળા દરમિયાન ભારતે રશિયા પાસેથી કુલ 44.9 અબજ ડોલરનો સામાન આયાત કર્યો છે, જેમાં સૌથી મોટો હિસ્સો અંદાજે 36 અબજ ડોલરના ક્રૂડ ઓઈલનો સામેલ છે. બીજી બાજુ, ભારતમાંથી રશિયામાં થતી નિકાસ 2.8 અબજ ડોલર રહી છે, જેમાં રશિયા દ્વારા કેમિકલ્સ, ઈલેક્ટ્રિકલ ગુડ્સ, મેડિકલ ઇક્વિપમેન્ટ, સીફૂડ, ચા અને મસાલાઓની ખરીદીમાં મોટો વધારો કરવામાં આવ્યો છે.
આગામી સમયમાં બંને દેશો વચ્ચેના વ્યાપારી સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે ધારાસભ્યો અને સંસદસભ્યોએ દેશના હેડ્સ ઓફ સ્ટેટ દ્વારા લેવાયેલા તમામ નિર્ણયોને જરૂરી લેજિસ્લેટિવ સપોર્ટ પૂરો પાડવો જોઈએ તેમ વોલોડિને ભારપૂર્વક જણાવ્યું હતું. દિલ્હીમાં યોજાયેલી આ બેઠકથી ભારત અને રશિયા વચ્ચેના સંસદીય સંબંધોની સાથોસાથ આર્થિક ભાગીદારી પણ વધુ ગાઢ બનશે તે નક્કી છે. આ આર્થિક આંકડાઓ સાબિત કરે છે કે વૈશ્વિક સ્તરે બદલાતા સમીકરણો વચ્ચે પણ ભારત અને રશિયાની મિત્રતા બિઝનેસ અને ટ્રેડના મોરચે સતત નવી ઊંચાઈઓ સર કરી રહી છે.
