ટેકનોલોજી જગતમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં દિગ્ગજ કંપની માઇક્રોસોફ્ટે પોતાના કર્મચારીઓ માટે એક મોટું પગલું ભર્યું છે. કંપનીએ ભારત સહિત વિશ્વભરના આશરે 60,000 કર્મચારીઓને સ્વૈચ્છિક રીતે નોકરી છોડવાની ઓફર આપી છે. માઇક્રોસોફ્ટના સત્તાવાર બ્લોગ પોસ્ટ દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે. આ ઓફર સ્વીકારનાર કર્મચારીઓને કંપની દ્વારા એકસાથે મોટી રકમ ચૂકવવામાં આવશે અને સાથે જ ભવિષ્યની કારકિર્દીનું આયોજન કરવામાં મદદરૂપ થાય તેવા સંસાધનો પણ પૂરા પાડવામાં આવશે.
આ ખાસ ઓફર ભારત, યુનાઇટેડ સ્ટેટ્સ, યુનાઇટેડ કિંગડમ અને કેનેડામાં કાર્યરત કર્મચારીઓ માટે ઉપલબ્ધ છે, ખાસ કરીને એવા કર્મચારીઓ માટે જેઓ લેવલ 70 અથવા તેનાથી નીચલા હોદ્દા પર કામ કરી રહ્યા છે. હાલમાં માઇક્રોસોફ્ટમાં કુલ 2,23,000 જેટલા કર્મચારીઓ કામ કરે છે, જેમાંથી આશરે 23,000 કર્મચારીઓ એકલા ભારતમાં જ કાર્યરત છે. જોકે ભારતમાં કયા અને કેટલા કર્મચારીઓ આ ઓફર માટે પાત્ર બનશે તેની ચોક્કસ સ્પષ્ટતા હજુ બાકી છે, પરંતુ પાત્ર કર્મચારીઓને ઈમેલ દ્વારા શરતો અને નિયમોની વિગતો મોકલી દેવામાં આવી છે.
કંપની દ્વારા લેવાયેલા આ મોટા નિર્ણય પાછળ મુખ્ય કારણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI ટેક્નોલોજીમાં થઈ રહેલું તોતિંગ રોકાણ છે. AI સિસ્ટમોના ઝડપી વિકાસ અને વિસ્તરણ પાછળ કંપની મોટા પ્રમાણમાં ખર્ચ કરી રહી છે. ભારતમાં આ ઓફર માટે પાત્ર બનેલા કર્મચારીઓએ આગામી 1 ડિસેમ્બર સુધીમાં પોતાનો આખરી નિર્ણય લેવાનો રહેશે, જેથી તેઓ નાણાકીય અને સંસ્થાકીય સહાય મેળવીને સ્વેચ્છાએ કંપનીમાંથી બહાર નીકળવાનો વિકલ્પ પસંદ કરી શકે.
