JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

રાજકોટ આધુનિક એરપોર્ટના કાર્ગો સેન્ટરમાં પાણી લીકેજથી કામગીરી ઠપ્પ, વિકાસના દાવાઓની પોલ ખુલી

Oct 27, 2026 | 11:20 | By JAMNAGAR MIRROR
રાજકોટ આધુનિક એરપોર્ટના કાર્ગો સેન્ટરમાં પાણી લીકેજથી કામગીરી ઠપ્પ, વિકાસના દાવાઓની પોલ ખુલી
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના કાર્ગો સેન્ટરમાં પાણી લીકેજ થવાના કારણે છેલ્લા 2 દિવસથી કામગીરી સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે. આ મોટી ખામીના લીધે ઇન્ડિગો એરલાઇન્સ 4 ટન સામાન લોડ કરી શકી નથી, જેને લઈને એરપોર્ટના કરોડો રૂપિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્ટેનન્સ સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ફરી એકવાર પોતાની વ્યવસ્થા અને માળખાકીય ખામીઓને લઈને ચર્ચામાં આવ્યું છે. એરપોર્ટના કાર્ગો સેન્ટરમાં છેલ્લા 2 દિવસથી અચાનક પાણી લીકેજ થવાની ગંભીર સમસ્યા સર્જાતા કાર્ગો ઓપરેશન્સ ખોરવાઈ ગયા છે. જોકે ફ્લાઇટ ઓપરેશન્સ પર સીધી કોઈ અસર નથી થઈ, પરંતુ કાર્ગો ફ્લોર પર પાણી ભરાયેલા હોવાના દ્રશ્યોએ એરપોર્ટના સંચાલન અને તંત્રની પોલ ખોલી નાખી છે. આ ઘટનાના વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં પાણી લીકેજની ગંભીર સ્થિતિ સ્પષ્ટપણે જોવા મળી રહી છે.

આ અણધારી સમસ્યાના કારણે મોહિત ભટ્ટ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, ઇન્ડિગો એરલાઇન્સ છેલ્લા 2 દિવસમાં આશરે 4 ટન જેટલો મહત્વનો સામાન લોડ કરી શકી નથી, જેનાથી માલસામાનની હેરફેરમાં મોટો અવરોધ ઊભો થયો છે. અંદાજે 2000 કરોડ રૂપિયાથી વધુના જંગી ખર્ચે તૈયાર થયેલા આ હાઇટેક એરપોર્ટમાં અગાઉ પણ મોબાઈલ નેટવર્કની સમસ્યા, ટર્મિનલ પર પાણી ભરાવાની ફરિયાદો અને રખડતા ઢોર જેવી ઘટનાઓ સામે આવી ચૂકી છે. આટલી અધતન સુવિધાઓ ધરાવતા એરપોર્ટમાં પ્રાથમિક સ્તરે આવી બેદરકારી સામે આવવી એ તંત્રની લોલમલોલ વહીવટી શૈલી બતાવે છે.

એરપોર્ટ જેવા અતિ સંવેદનશીલ સ્થળે પાણી લીકેજ થવા પાછળનું અસલી કારણ હજુ સુધી સત્તાવાર રીતે બહાર આવ્યું નથી અને નુકસાન અંગે પણ સ્પષ્ટતા બાકી છે. આ ગંભીર બાબત માત્ર કાર્ગો સેવાઓને જ પ્રભાવિત નથી કરતી પરંતુ એરપોર્ટની આબરૂ પર પણ સવાલિયા નિશાન મૂકે છે. હવે જોવાનું એ રહેશે કે એરપોર્ટ મેનેજમેન્ટ આ મામલે ક્યારે જાગે છે, ક્યારે કાર્ગો સેવાઓ રાબેતા મુજબ શરૂ થાય છે અને ભવિષ્યમાં આવી શરમજનક સ્થિતિ ન સર્જાય તે માટે તંત્ર કેવા કડક પગલાં ભરે છે.

LATEST ARTICLES