JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
કાનૂન

ડિવોર્સ કેસમાં આખરી દલીલો ટાંકણે આવી શકે નવો પુરાવો? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

Oct 27, 2026 | 10:45 | By JAMNAGAR MIRROR
ડિવોર્સ કેસમાં આખરી દલીલો ટાંકણે આવી શકે નવો પુરાવો? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટે ડિવોર્સ કેસમાં એક મહિલાને પતિના કથિત બીજા લગ્ન અંગે નવા પુરાવા રજૂ કરવાની મંજૂરી આપી દીધી છે. કોર્ટે કહ્યું કે ન્યાયિક પ્રક્રિયામાં જો કોઈ મહત્ત્વની હકીકત સામે આવે, તો કેસ પૂરો થવા આવ્યો હોય તો પણ પુરાવા તપાસવા જરૂરી છે.

ડિવોર્સના કોઈ પણ કેસમાં જ્યારે બંને પક્ષો પોતાની સાક્ષીઓ અને પુરાવાઓ રજૂ કરી ચૂકે અને મામલો આખરી દલીલો પર આવી જાય, તેવા સમયે શું નવો પુરાવો રજૂ કરી શકાય? જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટે તાજેતરમાં આ સવાલનો સ્પષ્ટ જવાબ આપ્યો છે. એક મહિલાએ ફેમિલી કોર્ટમાં અરજી કરીને દાવો કર્યો હતો કે તેના પતિએ તેમની પહેલી મેરેજ વેલિડ હોવા છતાં બીજા લગ્ન કરી લીધા છે અને તેને સંતાનો પણ છે. આ જાણકારી મળ્યા બાદ મહિલાએ પોતાના બચાવ માટે પતિની ફરીથી ઉલટતપાલસ કરવાની અને અન્ય બે નવા ગવાહોને કોર્ટમાં બોલાવવાની માંગણી કરી હતી, જેથી તે સાબિત કરી શકે કે તે શા માટે પતિ સાથે રહેવા નહોતી જતી.

આ કેસમાં પતિએ પોતાની પત્ની સામે ક્રૂરતા અને વગર વાંકે ઘર છોડીને જતા રહેવાના આરોપ સાથે ડિવોર્સની અરજી દાખલ કરી હતી. ફેમિલી કોર્ટે પત્નીની અરજી મંજૂર કરીને તેને નવા ગવાહો લાવવાની પરવાનગી આપી હતી અને પતિ પર લગ છુપાવવાના આરોપસર 10000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. પતિએ આ નિર્ણય સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને દલીલ કરી હતી કે કેસ પૂરો થયા બાદ પુરાવાઓ ફરી ખોલવાની કોઈ જરૂર નથી. જોકે, જસ્ટિસ સંજય ધારે કાયદાકીય નિયમોની છણાવટ કરતા સ્પષ્ટ કર્યું કે કોર્ટ સામાન્ય સંજોગોમાં કેસના ખાડા પૂરવા માટે ગવાહોને ફરી નથી બોલાવતી, પરંતુ જો નવો પુરાવો ન્યાય માટે અત્યંત જરૂરી અને પ્રાસંગિક હોય, તો કોર્ટ પોતાની સત્તાનો ઉપયોગ કરી શકે છે.

હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે જો પતિના કથિત બીજા લગ્નની વાત સાબિત થઈ જાય, તો તે ડિવોર્સના આખા કેસની દિશા બદલી નાખશે અને તેનાથી સ્પષ્ટ થશે કે પત્ની શા માટે પતિ સાથે રહેવા નહોતી ગઈ તેમજ તે પતિના ક્રૂરતાના આરોપો સામે મજબૂત બચાવ સાબિત થશે. જોકે, કોર્ટે પતિ પર ફટકારવામાં આવેલો 10000 રૂપિયાનો દંડ રદ કરી દીધો છે કારણ કે લગ્ન હજુ સાબિત નથી થયા. હાઈકોર્ટે પતિની અરજી આંશિક રીતે ફગાવતા પત્નીને બે નવા ગવાહો તપાસવાની અને પતિને ફરી કઠેડામાં ઉભા રાખવાની મંજૂરી યથાવત રાખી છે અને ફેમિલી કોર્ટને આ જ દિશામાં આગળની સુનાવણી કરવાનો આદેશ આપ્યો છે.

LATEST ARTICLES