JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

ગુવાહાટીના હોટેલમાં લીઝના વિવાદે લીધા 5 લોકોના ભોગ, એક જ પરિવારના 4 સભ્યોના મોતથી હાહાકાર

Oct 27, 2026 | 10:45 | By JAMNAGAR MIRROR
ગુવાહાટીના હોટેલમાં લીઝના વિવાદે લીધા 5 લોકોના ભોગ, એક જ પરિવારના 4 સભ્યોના મોતથી હાહાકાર
અસમની રાજધાની ગુવાહાટીમાં હોટેલની લીઝ માલિકીને લઈને થયેલા ઝઘડામાં ખૂની ખેલ ખેલાયો છે. ઘનકાંતા ગોગોઈ નામના શખ્સે લાયસન્સવાળી પિસ્તોલથી આડેધડ ફાયરિંગ કરતા 5 લોકોના મોત થયા છે જ્યારે એક વ્યક્તિ ઘાયલ થઈ છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી લીધી છે.

સોમવારે રાત્રે આશરે 9 વાગ્યે ગુવાહાટીના જીએસ રોડ પર આવેલી હોટેલ બિલાસ ઇન ખાતે લોહિયાળ ઘટના બની હતી. પોલીસ હેડક્વાર્ટરથી માંડ 2 કિલોમીટર દૂર આવેલા આ સ્થળે હોટેલના લીઝધારક ઘનકાંતા ગોગોઈએ હોટેલના કો-ઓનર, તેના પરિવારજનો અને કેરટેકર પર અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ ગોળીબારમાં કુલ 6 લોકોને ગોળી વાગી હતી, જેમાંથી 5 લોકોના ઘટનાસ્થળે કે હોસ્પિટલ પહોંચતા જ પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા. એક જ પરિવારના 4 લોકોના મોત થવાથી સમગ્ર વિસ્તારમાં ભારે શોક અને સન્નાટો છવાઈ ગયો છે.

ઘટનાની જાણ થતા જ પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને માત્ર 1 કલાકની અંદર જ પલટન બજાર વિસ્તારમાંથી આરોપી ઘનકાંતા ગોગોઈને દબોચી લીધો હતો. પોલીસે તેની પાસેથી ગુનામાં વપરાયેલી લાયસન્સવાળી 32-બોરની પિસ્તોલ પણ જપ્ત કરી લીધી છે. મૃતકોમાં હેલેના ભરાલી, દેબોર્ષી કશ્યપ અને નારાયણ દાસ સામેલ છે, જ્યારે અન્ય એક મૃતકની ઓળખની પ્રક્રિયા ચાલુ છે. આ ખૂની ખેલમાં ગોળી વાગવાથી ઘાયલ થયેલા 42 વર્ષીય સત્યેન પાઠક નામના એકમાત્ર સર્વાઈવરને ખભાના ભાગે ઇજા થઈ છે, જેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાલ તેમની તબિયત સ્થિર હોવાનું ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે.

પોલીસ કમિશનર પાર્થ સારથી મહાંતના જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસમાં આ ભયાનક હત્યાકાંડ પાછળ હોટેલના લીઝ એગ્રીમેન્ટનો પ્રોપર્ટી ડિસ્પ્યુટ મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે, કારણ કે આરોપીએ આ હોટેલ લગભગ 1 વર્ષ પહેલા જ લીઝ પર લીધી હતી. ફોરેન્સિક અને સાયન્ટિફિક ટીમો ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરી રહી છે. આ ગંભીર ઘટનાને લઈને અસમ કોંગ્રેસના પ્રમુખ ગૌરવ ગોગોઈએ રાજ્યની લૉ એન્ડ ઓર્ડરની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને કાયદાકીય તપાસની માંગ કરી છે.

LATEST ARTICLES