JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

તમિલનાડુની જેલમાં ફિલ્મી સ્ટાઇલમાં કાંડ, પોલીસકર્મીઓ પર હુમલો કરીને 17 કેદીઓ ફરાર

Oct 27, 2026 | 09:35 | By JAMNAGAR MIRROR
તમિલનાડુની જેલમાં ફિલ્મી સ્ટાઇલમાં કાંડ, પોલીસકર્મીઓ પર હુમલો કરીને 17 કેદીઓ ફરાર
થેની જિલ્લાની સબ-જેલમાંથી મોડી રાત્રે અચાનક 17 કેદીઓ ભાગી છૂટતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે. બીમારીનું નાટક કરીને સુરક્ષાકર્મીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 3 જેલ કર્મીઓ ઘાયલ થયા છે. પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કરીને અત્યાર સુધીમાં 4 કેદીઓને દબોચી લીધા છે.

તમિલનાડુના થેની જિલ્લામાંથી એકદમ ફિલ્મી દ્રશ્યો જેવી ઘટના સામે આવી છે, જ્યાં એક સબ-જેલમાંથી મોડી રાત્રે 17 કેદીઓ ફરાર થઈ જવાની મોટી ઘટના બની છે. આ ચાલાક કેદીઓએ જેલના પોલીસકર્મીઓ અને સુરક્ષાકર્મીઓ પર અચાનક હુમલો કરી દીધો હતો અને જેલ તોડીને ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા, જેના પગલે આખા વિસ્તારમાં અને પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. આ અચાનક થયેલા હુમલા અને ભાગદોડમાં 3 જેલ કર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જેને લઈને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

આ ઘટના પાછળ કેદીઓની એકદમ પક્કી અને સુનિયોજિત યોજના હતી, કારણ કે આ બધા જ 17 કેદીઓ એક જ સેલમાં બંધ હતા. મોડી રાત્રે આ કેદીઓએ એવું નાટક શરૂ કર્યું કે તેમાંથી એક જણે અચાનક તબિયત બગડી ગઈ છે અને તેને જોરથી આંચકી આવી રહી છે. જેવી જેલના ડ્યુટી પરના કર્મચારીઓ અને સુરક્ષાકર્મીઓ જીવ બચાવવા કે મદદ કરવા માટે સેલનો દરવાજો ખોલીને અંદર ગયા, તેવી જ તકનો લાભ લઈને અગાઉથી ઘાત લગાવીને બેઠેલા તમામ કેદીઓએ તેમની પર હુમલો કરી દીધો અને મુખ્ય દરવાજો વટાવીને ફરાર થઈ ગયા.

આ ગંભીર મામલો સામે આવતા જ પોલીસે તાત્કાલિક ધોરણે મોટું સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે અને સતત રેડ પાડીને અત્યાર સુધીમાં 4 ફરાર કેદીઓની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે. બાકીના ભાગી ગયેલા 13 કેદીઓને ઝડપી પાડવા માટે પોલીસ વહીવટી તંત્ર દ્વારા કુલ 17 વિશેષ ટીમો બનાવવામાં આવી છે, જે આસપાસના વિસ્તારો અને હાઇવે પર સઘન તપાસ ચલાવી રહી છે. પોલીસ આ મામલે કડક તપાસ કરી રહી છે કે આ કેદીઓને બહારથી કોઈ મદદ મળી હતી કે નહીં.

LATEST ARTICLES