JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

સિંગાપોરે શરૂ કરી એલએનજીની લાંબાગાળાની ખરીદી, ત્રીજા ઇમ્પોર્ટ ટર્મિનલ માટે પણ વિચારણા

Oct 27, 2026 | 09:05 | By JAMNAGAR MIRROR
સિંગાપોરે શરૂ કરી એલએનજીની લાંબાગાળાની ખરીદી, ત્રીજા ઇમ્પોર્ટ ટર્મિનલ માટે પણ વિચારણા
સિંગાપોરમાં વિજળીની વધતી માંગને પહોંચી વળવા સ્ટેટ ગેસ બાયર ગેસકો દ્વારા એલએનજી માટે પહેલીવાર ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. દેશ તેની 95% વીજ જરૂરિયાત માટે ગેસ પર નિર્ભર છે અને પાવર જનરેશન ક્ષમતા વધારવા માટે આ મોટું પગલું લેવાયું છે.

સિંગાપોરની સરકારી ગેસ બાયર કંપની ગેસકોએ દેશમાં લાંબાગાળાનો એલએનજી પુરવઠો સુનિશ્ચિત કરવા માટે પોતાની પહેલી પ્રોક્યોરમેન્ટ એક્સરસાઇઝ શરૂ કરી દીધી છે. ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર ઓફ સ્ટેટ ગાન સિઓ હુઆંગના જણાવ્યા અનુસાર, સિંગાપોર તેની આશરે 95% વીજળી માટે નેચરલ ગેસ પર નિર્ભર હોવાથી આ મોટું કદમ ઉઠાવવામાં આવ્યું છે. મંગળવારે યોજાયેલી એશિયા ગેસ માર્કેટ્સ કોન્ફરન્સમાં તેમણે આ માહિતી આપી હતી અને સાથેસાથે પડાઉ ટેકોંગ આઇલેન્ડ પર ત્રીજા એલએનજી ઇમ્પોર્ટ ટર્મિનલની શક્યતાઓ ચકાસાઈ રહી હોવાનું પણ જણાવ્યું હતું.

સરકારની યોજના આગામી દાયકાની શરૂઆતમાં વીજળી ઉત્પાદન ક્ષમતામાં આશરે 26% નો વધારો કરવાની છે, જેના માટે 5 નવા ગેસ-ફાઇવર્ડ પાવર પ્લાન્ટ ઉમેરવામાં આવશે. હાલમાં દેશની વીજ ઉત્પાદન ક્ષમતા આશરે 12 ગીગાવોટ છે. સિંગાપોરની ગેસ ખરીદી અને પુરવઠાનું કેન્દ્રીકરણ કરવા માટે વર્ષ 2025માં સ્થપાયેલી ગેસકો કંપની વર્ષ 2028 પછીના જથ્થા માટે લાંબાગાળાના કરાર કરવા માંગે છે. અંદાજ મુજબ સિંગાપોરને વર્ષ 2028 અને 2029માં આશરે 3 મિલિયન મેટ્રિક ટન અને વર્ષ 2035 સુધીમાં આ ખાપ વધીને આશરે 6 મિલિયન ટન સુધી પહોંચવાની સંભાવના છે.

આ સિવાય સિંગાપોરમાં પહેલાથી જ પ્રતિ વર્ષ 5 મિલિયન ટન ક્ષમતાવાળા બીજા એલએનજી ઇમ્પોર્ટ ટર્મિનલનું કામકાજ ચાલી રહ્યું છે, જે વર્ષ 2030 સુધીમાં શરૂ થતાં કુલ ક્ષમતા વધીને 15 મિલિયન ટન પ્રતિ વર્ષ થઈ જશે. ઇન્ડોનેશિયા દ્વારા ગેસ નિકાસ ઘટાડવા અને વૈશ્વિક બજારની સ્થિતિને ધ્યાનમાં રાખીને સિંગાપોર હવે એલએનજી આયાત ઉપરાંત બાયોમિથેન જેવા વિકલ્પો પર પણ કામ કરી રહ્યું છે. દેશમાં ઉર્જા સુરક્ષા જાળવી રાખવા માટે અને પાવર જનરેશન ક્ષમતા મજબૂત કરવા માટે સરકારે કેપેલ એનર્જી, સેમ્કોર્પ યુટિલિટીઝ અને તુઆસ પાવરને પણ મહત્વની જવાબદારીઓ સોંપી છે.

LATEST ARTICLES