પુણેના કાટરાજ વિસ્તારમાં જાહેરમાં બનેલી એક શરમજનક ઘટનામાં 18 વર્ષની યુવતી સાથે અડપલાં કરી તેને ઉપાડી જવાનો પ્રયાસ કરનાર એક શખ્સ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે. સોમવારે મળેલી માહિતી મુજબ, ગત 24 ઓક્ટોબરની સાંજે આ બનાવ બન્યો હતો, જ્યારે યુવતી સુખસાગરનગર પાસે સમર્થ ડેરીની બહાર તેની ફ્રેન્ડની રાહ જોઈ રહી હતી. આ દરમિયાન ઉત્તર પ્રદેશના પ્રતાપગઢનો વતની અને હાલ કાટરાજ-કોંડવા રોડ પર રહેતો 30 વર્ષીય જિતુ કિશોરીલાલ સરોજ નામનો શખ્સ ત્યાં આવ્યો હતો અને તેણે યુવતી સાથે અયોગ્ય હરકતો શરૂ કરી દીધી હતી.
આરોપીએ યુવતીની છેડતી કરી તેના કપડાં ખેંચ્યા હતા અને અચાનક તેને બળજબરીથી ઊંચકી લીધી હતી જેથી યુવતી ગભરાઈને જમીન પર પડી ગઈ હતી. યુવતીએ તરત જ બૂમાબૂમ કરી મૂકી હતી, જેના અવાજથી તેની ફ્રેન્ડ માનસી ગાયકવાડ, માનસીના કાકી શીતલ ગાયકવાડ અને વિષ્ણુ મોરે જેવા આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. આ દરમિયાન આરોપીએ વિષ્ણુ મોરેનો મોબાઈલ પણ તોડી નાખ્યો હતો. યુવતીની ચીસો સાંભળીને આજુબાજુના લોકો પણ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને ગુસ્સે ભરાયેલા લોકોએ આ મજનુ પકડીને તેની ધોલાઈ કરી નાખી હતી.
ભારતી વિદ્યાપીઠ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સુદર્શન ગાયકવાડે જણાવ્યું કે, ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને આરોપીને કસ્ટડીમાં લઈ લીધો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ ભારતી વિદ્યાપીઠ પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 76 અને 324(4) હેઠળ ગુનો નોંધીને સોમવારે તેને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આરોપીના ભાઈએ પોલીસને જણાવ્યું છે કે ઉત્તર પ્રદેશમાં રહેતો હતો ત્યારે પણ આ શખ્સે મહિલાઓ સાથે આવી જ હરકતો કરી હતી, જે અંગે પોલીસ હાલ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
