અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલા એએમસી સંચાલિત એસટીપી પ્લાન્ટ ખાતે એક ખૂબ જ કાળજું કંપાવનારી દુર્ઘટના સામે આવી છે. આ પ્લાન્ટમાં વેલ્ડીંગ અને રિપેરિંગની કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક ઝેરી ગેસનું ગળતર થવાથી સાઇટ ઇન્ચાર્જ અને વેલ્ડરે સ્થળ પર જ પોતાનો જીવ ગુમાવ્યો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આટલું જોખમી કામ ચાલી રહ્યું હતું છતાં કામદારો પાસે સેફ્ટી ગિયર જેવા સુરક્ષાના પૂરતા સાધનો નહોતા અને તંત્રની ભારે બેદરકારીના કારણે આ માસૂમ જીવોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
આ કરુણ બનાવ બાદ હરકતમાં આવેલા શાસક પક્ષ અને એએમસી વહીવટી તંત્ર દ્વારા મૃતકોના આશ્રિત પરિવારોને રૂ. 25-25 લાખની આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ કામગીરીમાં ગંભીર બેદરકારી દાખવનાર એચએનબી એન્જિનિયર્સ એજન્સીને રૂ. 3.50 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જોકે સૌથી આશ્ચર્યની વાત એ છે કે બે નિર્દોષ લોકોના મોત જેવી મોટી દુર્ઘટના ઘટવા છતાં પણ હજુ સુધી કોઈ પણ જવાબદાર કે અજાણ્યા અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી, જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
આ ગંભીર દુર્ઘટનાને હજુ થોડા જ દિવસો થયા છે છતાં સોલા એસટીપી પ્લાન્ટ પર હજુ પણ બેદરકારીના દ્રશ્યો ખુલ્લેઆમ જોવા મળી રહ્યા છે. નિયમ મુજબ આ પ્લાન્ટ પર સામાન્ય નાગરિકોના પ્રવેશ પર કડક પ્રતિબંધ હોય છે, પરંતુ હાલ તો લોકો જાણે કોઈ પ્રવાસન સ્થળ પર ફરતા હોય તેમ મુક્તપણે અંદર આવી રહ્યા છે. સુરક્ષાના નિયમોના આમ સરેઆમ ધજાગરા ઉડી રહ્યા હોવાથી હવે એવો સવાલ જોડાઈ રહ્યો છે કે આટલી મોટી લાપરવાહી છતાં બેદરકાર અધિકારીઓને આખરે કોણ છાવરી રહ્યું છે?
