JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

બિલ્ડરે ફ્લેટ અન્ય કોઈને વેચી દેતા હોમ લોનનો હપ્તો અટકાવનાર હોમબાયરને હાઈકોર્ટમાંથી મોટી રાહત

Oct 27, 2026 | 09:15 | By JAMNAGAR MIRROR
બિલ્ડરે ફ્લેટ અન્ય કોઈને વેચી દેતા હોમ લોનનો હપ્તો અટકાવનાર હોમબાયરને હાઈકોર્ટમાંથી મોટી રાહત
બેંગલુરુના એક હોમબાયરે બિલ્ડરની છેતરપિંડીથી પરેશાન થઈને લોનનો હપ્તો ભરવાનું બંધ કરી દીધું હતું, જેના પર બેંકે ક્રાઈમ કેસ દાખલ કર્યો હતો. કર્ણાટક હાઈકોર્ટે આ મામલે મોટો ચુકાદો આપતા ગ્રાહક સામેની એફઆઈઆર રદ કરી દીધી છે.

મુંબઈના સાયન ઈસ્ટ વિસ્તારમાં રહેતા મિસ્ટર બારી નામના એક વ્યક્તિએ નાણાકીય વર્ષ 2019-20માં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) પાસેથી બેંગલુરુના ગ્રેન્ડર પાર્ક પ્રોજેક્ટમાં ફ્લેટ (B-306) ખરીદવા માટે 39.92 લાખ રૂપિયાની હોમ લોન લીધી હતી. નિયમ મુજબ તેણે 8 ફેબ્રુઆરી 2020ના રોજ બેંક અને બિલ્ડર સાથે ટ્રિપાર્ટાઈટ એગ્રીમેન્ટ પણ કર્યો હતો. મુંબઈ રહેતા હોવાને કારણે બારી પ્રોજેક્ટ સાઈટ પર નિયમિત જઈ શકતા ન હતા, પરંતુ તેઓ નિયમિતપણે હોમ લોનના ઈએમઆઈ ભરી રહ્યા હતા. દરમિયાન, બિલ્ડરે બેંક કે બારીની મંજૂરી વગર 27 માર્ચ 2023ના રોજ આ જ ફ્લેટ અન્ય કોઈ ત્રીજી વ્યક્તિને વેચી દીધો હતો. જ્યારે આ વાતની જાણ બારીને થઈ ત્યારે તેમણે લોનનો ઈએમઆઈ ભરવાનું બંધ કરી દીધું હતું.

લોનની રકમ બાકી હોવાથી બેંકે બિલ્ડર અને બારી બંને સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી હતી. 25 સપ્ટેમ્બર 2024ના રોજ એસબીઆઈએ દક્ષિણ બેંગલુરુના શંકરપુરા પોલીસ સ્ટેશનમાં બારી સામે એફઆઈઆર (55/2024) નોંધી હતી. બેંકના વકીલોએ ટ્રિપાર્ટાઈટ એગ્રીમેન્ટની કલમો ટાંકીને દલીલ કરી હતી કે બારી લોન ભરવામાં અનિયમિત બન્યા હતા અને બેંકને નુકસાન થયું છે. બીજી તરફ, બારીના વકીલ એડવોકેટ રજતે કોર્ટમાં જણાવ્યું હતું કે અસલી પીડિત તો તેમનો અસીલ છે, જેને બિલ્ડરે છેતર્યો છે. બારીએ પોતાની બચત અને લોનના પૈસા ફ્લેટ પાછળ ખર્ચ્યા, છતાં તેને પ્રોજેક્ટ ન મળ્યો અને ઉપરથી બેંકે તેની સામે ક્રાઈમ કેસ દાખલ કરી દીધો.

આ કેસની સુનાવણી બાદ 25 સપ્ટેમ્બર 2026ના રોજ કર્ણાટક હાઈકોર્ટે બારી સામેની ફોજદારી કાર્યવાહી અને એફઆઈઆર રદ કરીને તેમને મોટી રાહત આપી છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે માત્ર લોનની રકમ બાકી હોવી કે વ્યવહાર નિષ્ફળ જવો એ કોઈ ક્રિમિનલ ઓફેન્સ નથી અને માત્ર પૈસા વસૂલવા માટે ક્રિમિનલ પ્રોસીક્યુશનનો સહારો ન લઈ શકાય. કોર્ટે એમ પણ નોંધ્યું કે એસબીઆઈએ ગ્રાહક સામે કડક પગલાં લેતા પહેલાં પરિસ્થિતિની યોગ્ય તપાસ કરવી જોઈતી હતી. જોકે, આ ચુકાદો માત્ર ક્રાઈમ કેસ પૂરતો સીમિત છે, જેથી બારીના ફ્લેટ અને નાણાકીય રિફંડનો માસલો હજુ સિવિલ વિવાદ તરીકે યથાવત છે.

LATEST ARTICLES