ચેન્નઈમાં સોમવારે સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તમિલનાડુના સ્કૂલ એજ્યુકેશનના પૂર્વ મિનિસ્ટર અને ડીએમકે લીડર અનબિલ મહેશ પોય્મામોઝીની ધરપકડ કરીને ભારે ચકચાર મચાવી દીધી છે. પ્રાઈવેટ સ્કૂલના સંચાલકો સાથે સરકારી મંજૂરી અને માન્યતા અપાવવાના નામે અંદાજે 100 કરોડની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ગંભીર આરોપ આ નેતા પર છે. મદ્રાસ હાઈકોર્ટ દ્વારા પૂર્વ મિનિસ્ટરની આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ તરત જ પોલીસે આ કડક પગલું ભર્યું હતું.
આ સમગ્ર મામલાની શરૂઆત ડીસી ઇલંગોવનની ફરિયાદથી થઈ હતી, જેઓ તમિલનાડુની પ્રાઈવેટ સ્કૂલ્સ એસોસિએશન્સના ફેડરેશનના સેક્રેટરી છે. તેમની ફરિયાદ મુજબ બીટી અરસકુમાર અને મુથુકુમાર નામના શખ્સોએ એક અનરજ્જિત સંગઠનના હોદ્દેદાર હોવાની ઓળખ આપીને રાજ્યભરની શાળાઓ પાસેથી સરકારી મંજૂરી, પર્મેનન્ટ રેકગ્નિશન અને અન્ય સ્ટેચ્યુટરી પરમિશન અપાવવાના બહાને 100 કરોડથી વધુ રૂપિયા પડાવ્યા હતા. આ તમામ નાણાં તે સમય સત્તા પર રહેલી ડીએમકે પાર્ટીના ફંડમાં ફાળો આપવાના નામે વસૂલ કરવામાં આવ્યા હતા.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ખાનગી શાળાઓના સંચાલકોને ગેરમાર્ગે દોરીને આ મસમોટી રકમની ઉચાપત કરવામાં આવી હતી. હાઈકોર્ટમાંથી રાહત ન મળતા આ હાઇ-પ્રોફાઇલ કેસમાં પૂર્વ મિનિસ્ટરની સીધી સંડોવણી અંગે હવે સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ મોટી ધરપકડથી તમિલનાડુના પોલિટિકલ વર્તુળોમાં ભારે હડકંપ મચી ગયો છે અને આગામી દિવસોમાં આ કેસમાં અન્ય મોટા ખુલાસા થવાની પણ પૂરી સંભાવના છે.
