નવી દિલ્હીમાં સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસ એટલે કે CAPF, NIA, સેક્રેટરીએટ સિક્યોરિટી ફોર્સ અને આસામ રાઇફલ્સમાં રાઇફલમેન તેમજ કોન્સ્ટેબલની ભરતીનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. ત્રિપુરાના ઓબીસી કેટેગરીના ઉમેદવાર જયંત દેબનાથે 2018ની ભરતી પરીક્ષામાં ઓવરેજ હોવાને કારણે રિઝર્વ કેટેગરીના નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટનો લાભ લઈને પરીક્ષા આપી હતી. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે વધુ ગુણ લાવનાર ઉમેદવારને જ મેરિટમાં સ્થાન મળે, પરંતુ આ મામલામાં ઊંધી જ ગંગા વહી હતી અને ઓબીસી ઉમેદવારનું સિલેક્શન નહોતું થયું, જ્યારે ઓછા માર્ક્સ લાવનાર જનરલ કેટેગરીનો યુવક પાસ થઈ ગયો હતો.
આ કેસમાં અજીબ બાબત એ બની કે ઓબીસી કેટેગરી માટે કટ-ઓફ માર્ક્સ 60 હતા, જે જનરલ કેટેગરી કરતા પણ વધારે હતા. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું કે ઓબીસી કેટેગરીમાં જગ્યાઓ મર્યાદિત હોવાને કારણે આવું બન્યું હતું. જયંત દેબનાથે આ પરીક્ષામાં 55.1 માર્ક્સ મેળવ્યા હોવા છતાં તેમનું સિલેક્શન નહોતું થયું, જ્યારે જનરલ કેટેગરીના સાગર દેબનાથ નામના ઉમેદવાર માત્ર 46.26 માર્ક્સ મેળવીને પણ સિલેક્ટ થઈ ગયા હતા. નિયમો મુજબ એકવાર ઓબીસી ઉમેદવારે ઉંમરમાં છૂટછાટનો લાભ લઈ લીધો હોય, તો તે રિઝર્વ કેટેગરીમાંથી જનરલ કેટેગરીમાં માઈગ્રેટ થઈ શકતો નથી. આ મામલે ત્રિપુરા હાઇકોર્ટની સિંગલ બેન્ચ અને ડિવિઝન બેન્ચે જયંતની તરફેણમાં ચુકાદો આપીને તેને કોન્સ્ટેબલ તરીકે કન્સિડર કરવાનો આદેશ આપ્યો હતો.
હાઇકોર્ટના આ ચુકાદા સામે કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે અને ચીફ જસ્ટિસ સૂર્ય કાંત તેમજ જસ્ટિસ જ્યોયમલ્યા બાગચી અને જસ્ટિસ વી મોહનાની બેન્ચ સમક્ષ રજૂઆત કરી છે કે ભરતીના નિયમો એકદમ સ્પષ્ટ છે કે રિઝર્વ કેટેગરીનો લાભ લેનાર ઉમેદવાર જનરલ કેટેગરીમાં જઈ શકે નહીં. કેન્દ્રનું કહેવું છે કે જો હાઇકોર્ટનો આ ચુકાદો યથાવત રહેશે તો દેશભરમાં SSC અને અન્ય એજન્સીઓની ભરતીઓમાં ગંભીર પરિણામો આવશે, મેરિટ લિસ્ટ બગડશે અને વહીવટી અસમંજસ ઊભી થશે. સુપ્રીમ કોર્ટે આ મામલાની ગંભીરતા સમજીને હાઇકોર્ટના ચુકાદાની ચકાસણી કરવાનું સ્વીકાર્યું છે, જેથી હવે આના પર કાયદાકીય અંતિમ નિર્ણય શું આવે છે તેના પર બધાની નજર છે.
