મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે સોમવારે તેહરાનમાં સાઉદી અરેબિયા, તુર્કી અને પાકિસ્તાનના દિગ્ગજ અધિકારીઓએ ઈરાનના ટોચના નેતાઓ સાથે બેઠક યોજી હતી. 8 મહિનાથી ચાલી રહેલા યુદ્ધને ફરીથી ભડકતું અટકાવવા અને વર્તમાન કટોકટીમાં શાંતિ સ્થાપવા માટે આ ત્રણેય દેશોના સંગઠને પહેલીવાર સંયુક્ત રીતે તેહરાનની મુલાકાત લીધી છે. સાઉદી વિદેશ મંત્રાલયના નિવેદન અનુસાર, આ મુલાકાતનો મુખ્ય હેતુ બંને પક્ષો વચ્ચેનો તણાવ ઘટાડવાનો છે, કારણ કે અમેરિકા, ઈરાન અને ઈઝરાઈલે અગાઉ જ દુશ્મનાવટ ફરી શરૂ થવાની ચેતવણી આપી દીધી હતી.
આ મહત્વની બેઠકમાં પ્રતિનિધિ મંડળે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન અને વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં સાઉદીના શક્તિશાળી ડિફેન્સ મંત્રી પ્રિન્સ ખાલીદ બિન સલમાન, પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર અને તુર્કીના ઈન્ટેલિજન્સ ચીફ ઈબ્રાહિમ કાલિન પણ સામેલ થયા હતા. ઈરાની સ્ટેટ મીડિયાના અહેવાલ મુજબ, આ બેઠક કોઈ નક્કર જાહેરાત વિના પૂરી થઈ છે, પરંતુ તમામ પક્ષોએ આગામી સમયમાં ચર્ચાઓ ચાલુ રાખવા પર સહમતિ દર્શાવી છે. મંગળવારે યોજાનારી ઈઝરાઈલની મહત્વપૂર્ણ ચૂંટણી અને અમેરિકાના રાજકીય માહોલ પહેલા આ પ્રાદેશિક તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે.
આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે કૈરોમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે મિડલ ઈસ્ટમાં કોઈપણ પ્રકારના તણાવને વધતો અટકાવવો અત્યંત જરૂરી છે. બીજી બાજુ, સાઉદીની રાજધાની રિયાધમાં વિસ્ફોટોના અહેવાલો વચ્ચે યેમેનના હુતી વિદ્રોહીઓ દ્વારા સતત હુમલા કરવામાં આવી રહ્યા છે, જેના જવાબમાં સાઉદી ગઠબંધને પણ ડ્રોન તોડી પાડ્યા છે. નિષ્ણાતોના મતે, આ મુલાકાત તણાવ કાબૂમાં લાવવા માટેની કદાચ અંતિમ તક છે અને તમામ દેશો આ કટોકટીમાંથી બહાર નીકળવા માટે રાજદ્વારી માર્ગ અપનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
