મંગળવારે રાત્રે આશરે 9 વાગ્યે ગુવાહાટીના સૌથી વ્યસ્ત જીએસ રોડ પર આવેલી હોટેલ બિલાસ ઇનમાં અચાનક ગોળીબારનો અવાજ ગુંજી ઉઠ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હોટેલ માલિકો અને ઘનકાંતા ગોગોઈ નામના શખ્સ વચ્ચે લીઝ એગ્રીમેન્ટ અને પ્રોપર્ટીને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદ એટલો વધી ગયો કે આવેશમાં આવીને ઘનકાંતાએ પોતાની લાયસન્સવાળી 32 બોરની પિસ્તોલ કાઢીને આડેધડ ગોળીઓ વરસાવવાનું શરૂ કરી દીધું હતું. આ ખૂની હુમલામાં કુલ 6 લોકોને ગોળી વાગી હતી, જેમાંથી સ્થળ પર જ અથવા હોસ્પિટલ પહોંચતા સુધીમાં 5 લોકોના મોત નિપજ્યા હતા.
આ ભયાનક ગોળીબારમાં જીવ ગુમાવનાર 5 લોકોમાંથી 4 જણા હોટેલ માલિકના પરિવારના જ સભ્યો હતા, જ્યારે પાંચમો મૃતક અને એક ઈજાગ્રસ્ત વ્યક્તિ માલિકના જ ગામના રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું છે. ગોળીબારની આ ઘટના બાદ ગુવાહાટી પોલીસ કમિશનર પાર્થ સારથી મહંતાએ તાત્કાલિક એક્શન લીધા હતા અને ઘટનાના માત્ર 1 કલાકની અંદર જ આરોપી ઘનકાંતા ગોગોઈને દબોચી લીધો હતો તેમજ ગુનામાં વપરાયેલું હથિયાર પણ કબજે કરી લીધું હતું. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા 42 વર્ષીય સત્યેન પાઠક નામના યુવાનને ખભાના ભાગે ગોળી વાગી છે, જેને તાત્કાલિક સારવાર માટે ગુવાહાટી મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને ફોરેન્સિક સાયન્ટિફિક ટીમ તાત્કાલિક હોટેલ બિલાસ ઇન ખાતે દોડી ગઈ હતી અને ક્રાઈમ સીન પરથી જરૂરી પુરાવા એકત્ર કરવાની કામગીરી શરૂ કરી હતી. પોલીસે ગાનકાંતા ગોગોઈની સઘન પૂછપરછ શરૂ કરી દીધી છે જેથી આ લીઝ વિવાદ પાછળનું અસલી કારણ અને ઘટનાનો પૂરેપૂરો ક્રમ બહાર આવી શકે. ભીડભાડવાળા વિસ્તારમાં બનેલી આ ગોળીબારની ઘટનાથી આખા વિસ્તારમાં ભારે સનસનાટી ફેલાઈ ગઈ છે અને લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ આ માەલે તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
