JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
આરોગ્ય

દેશભરમાં સૌથી વધુ મીઠું પકવતું તામિલનાડુ આયોડિનયુક્ત મીઠાના વપરાશમાં સૌથી પાછળ

Oct 27, 2026 | 00:20 | By JAMNAGAR MIRROR
દેશભરમાં સૌથી વધુ મીઠું પકવતું તામિલનાડુ આયોડિનયુક્ત મીઠાના વપરાશમાં સૌથી પાછળ
તામિલનાડુમાં દેશનું બીજું સૌથી વધુ મીઠું ઉત્પન્ન થાય છે છતાં માત્ર 62 ટકા ઘરોમાં જ પૂરતા આયોડિનવાળા મીઠાનો વપરાશ થાય છે. હેલ્થ મિનિસ્ટરે લોકોને મીઠાનો વપરાશ ઘટાડવાની સાથે માત્ર આયોડિનયુક્ત મીઠું જ વાપરવાની અપીલ કરી છે.

ચેન્નઈમાં આયોડિનની ઉણપથી થતી બિમારીઓ અટકાવવા માટેના એક ખાસ કાર્યક્રમમાં હેલ્થ મિનિસ્ટર કે. જી. અરુણરાજે એક ચોંકાવનારી હકીકત રજૂ કરી હતી. તામિલનાડુ ભારતનું બીજું સૌથી મોટું સોલ્ટ પ્રોડ્યુસર રાજ્ય છે, પરંતુ લેટેસ્ટ સર્વે મુજબ અહીંના ઘરોમાં પૂરતા પ્રમાણમાં આયોડિનયુક્ત મીઠાનો વપરાશ સૌથી ઓછો છે. વર્ષ 2018-19ના ઇન્ડિયા આયોડિન સર્વે અનુસાર, નેશનલ એવરેજ 76 ટકા સામે તામિલનાડુમાં માત્ર 62 ટકા પરિવારો જ પ્રોપર આયોડિનવાળું મીઠું વાપરતા હતા. મિનિસ્ટરે સ્પષ્ટ કહ્યું હતું કે જે ધરતી પર મીઠું પકવાય છે ત્યાં જ આયોડિનની ઉણપ જરાય ચલાવી શકાય નહીં. લોકો ખુલ્લું અને બ્રાન્ડ વગરનું રોક સોલ્ટ ખરીદે છે અને તેને તડકા તથા ભેજમાં ખુલ્લા વાસણોમાં રાખે છે, વળી રસોઈમાં મીઠું વહેલું નાખીને લાંબો સમય ઉકાળવાથી આયોડિન ઉડી જાય છે તેમ તેમણે ઉમેર્યું હતું.

એક મેડિકલ ઇન્સ્ટિટ્યુટના સ્ટડી મુજબ ગ્રામિણ વિસ્તારના લોકો રોજના લગભગ 13 ગ્રામ મીઠાનું સેવન કરે છે અને એક તૃતીયાંશ ઘરો એવા છે જ્યાં મીઠામાં આયોડિનનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. ડાયરેક્ટર ઓફ પબ્લિક હેલ્થ ડૉ. એ. સોમસુંદરમે જણાવ્યું હતું કે થાઇરોઇડ ગ્લેન્ડ શરીરની વૃદ્ધિ અને મેટાબોલિઝમને નિયંત્રિત કરતા હોર્મોન્સ બનાવવા માટે આયોડિનનો ઉપયોગ કરે છે. સગર્ભાવસ્થા દરમિયાન તેની સૌથી વધુ જરૂરિયાત હોય છે અને ગંભીર અછતને કારણે ગાઇટર, મિસકેરેજ, સ્ટીલબર્થ અને બાળકની બુદ્ધિનો વિકાસ અટકવા જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. હળવી ઉણપ પણ બાળકોના રીડિંગ સ્કોરને નબળો પાડી શકે છે. ડબલ્યુએચઓ મુજબ આયોડિનની ઉણપ મગજ ડેમેજ થવાનું મુખ્ય કારણ છે અને સ્ટડીઝ કહે છે કે આ ઉણપ ધરાવતા સમુદાયના બાળકોનો IQ સામાન્ય બાળકો કરતા 10 થી 15 પોઇન્ટ ઓછો હોય છે. પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા સ્કૂલના બાળકોની તપાસ કરવામાં આવે છે જેમાં વર્ષ 2024-25માં રામનાથપુરમમાં 9 ટકા અને પુડુકોટ્ટાઈમાં 5 ટકા બાળકોમાં ગાઇટર જોવા મળ્યું હતું.

ફૂડ સેફ્ટીના નિયમો મુજબ માનવ વપરાશ માટેના મીઠામાં પ્રોડક્શન સ્ટેજ પર પ્રતિ કિલો 30 મિલિગ્રામ અને હાઉસહોલ્ડ લેવલ પર ઓછામાં ઓછું 15 મિલિગ્રામ આયોડિન હોવું ફરજિયાત છે. વિલેજ હેલ્થ નર્સીસ દ્વારા ઘરોમાં જઈને સોલ્ટ સેમ્પલની ચકાસણી કરવામાં આવે છે. એપ્રિલ 2025 થી માર્ચ 2026 દરમિયાન થયેલા સેમ્પલ એનાલિસિસમાં થંજાવુર, તિરુનેલવેલી, વિરુધનગર, કલાકુરિચી, થૂથુકુડી અને તિરુવરુર જેવા જિલ્લાઓમાં 70 થી 88 ટકા સુધી પૂરતા આયોડિનવાળું મીઠું મળ્યું હતું, જ્યારે સોલ્ટ પેન્સ માટે જાણીતા થૂથુકુડીમાં ઓછામાં ઓછા 2 ટકા મીઠામાં આયોડિન બિલકુલ નહોતું મળ્યું. હેલ્થ મિનિસ્ટરે ચેતવણી આપી હતી કે નિયમોનું ઉલ્લંઘન કરનારા મેન્યુફેક્ચરર્સ સામે ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ દ્વારા આક્રમક પગલાં લેવામાં આવશે. હાઇપરટેન્શન, હાર્ટ ડિસીઝ, સ્ટ્રોક અને કિડની ડેમેજ અટકાવવા માટે ચાલી રહેલા કેમ્પેઈનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે આપણે રોજના 5 ગ્રામથી ઓછું મીઠું ખાવું જોઈએ, પરંતુ તે માત્ર આયોડિનયુક્ત જ હોવું જોઈએ.

LATEST ARTICLES