JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

શિયાળામાં AC કવર કરતાં પહેલાં જરૂર કરો આ 3 કામ, યોગ્ય રીતે ઢાંકશો તો જ થશે ફાયદો

Oct 26, 2026 | 20:43 | By JAMNAGAR MIRROR
શિયાળામાં AC કવર કરતાં પહેલાં જરૂર કરો આ 3 કામ, યોગ્ય રીતે ઢાંકશો તો જ થશે ફાયદો
શિયાળો શરૂ થતાં જ AC મહિનાઓ સુધી બંધ રહેશે, ત્યારે માત્ર ઇન્ડોર જ નહીં પણ બહારના આઉટડોર યુનિટને સાચવવું પણ એટલું જ જરૂરી છે. માત્ર 250 રૂપિયાનું કવર તમારા AC ને 22000 રૂપિયા સુધીના મોટા ખર્ચથી કેવી રીતે બચાવી શકે છે તે જાણી લો.

ગુજરાતમાં હવે હળવી ઠંડીની શરૂઆત સાથે જ શિયાળાનું આગમન થઈ ચૂક્યું છે અને આગામી 5 થી 6 મહિના સુધી AC નો ઉપયોગ ભાગ્યે જ થવાનો છે. આ દિવસોમાં મોટાભાગના લોકો ઘરની અંદર રહેલા ઇન્ડોર યુનિટને તો સાચવીને ઢાંકી દે છે, પણ ઘરની બહાર બાલ્કની કે ધાબા પર તડકો, ઝાકળ અને ધૂળમાં લટકતા આઉટડોર યુનિટને સાવ નજરઅંદાજ કરી દે છે. હકીકતમાં તો આખી એર કન્ડિશનર સિસ્ટમનો મુખ્ય જીવ આ આઉટડોર યુનિટ જ છે. મહિનાઓ સુધી બંધ રહેવાને કારણે સ્મોગ, ભેજ અને પક્ષીઓની ગંદકી તેને ખરાબ રીતે નુકસાન પહોંચાડી શકે છે. જો તમે માત્ર 250 રૂપિયાના સામાન્ય કવરથી તેને યોગ્ય રીતે ઢાંકી દો, તો તમારું મોંઘા ભાવનું AC બગડતાં અટકી શકે છે.

જ્યારે AC ચાલુ હોય છે ત્યારે તેના પંખા અને હવાના ભારે પ્રવાહને લીધે ધૂળ કે માટી લાંબો સમય ટકી શકતી નથી અને નિયમિત સર્વિસ પણ થતી રહે છે. પણ આનાથી વિપરીત, જ્યારે AC લાંબો સમય બંધ પડ્યું રહે છે ત્યારે ધૂળ અને સ્મોગનું ઝીણું પડ કોઇલ પર ચોંટી જાય છે. સવારના ભેજ અને ઝાકળ સાથે આ ગંદકી ભળતાં કાદવ જેવી બની જાય છે અને ધીમે-ધીમે કોપર પાઇપ, ફેન બ્લેડ તથા બોડીમાં કાટ લગાડવા માંડે છે. ક્યારેક આ ગંદકીના કારણે પાણી અંદર પ્રવેશીને વાયરિંગ અને સર્કિટ બોર્ડ એટલે કે PCB સુધી પહોંચી જાય છે, જેનાથી આખી સિસ્ટમ ફેઇલ થઈ શકે છે.

જો આઉટડોર યુનિટની કાળજી ન રાખવામાં આવે તો ખિસ્સામાંથી મોટો આર્થિક ખર્ચ થઈ શકે છે. 1.5 ટનના સ્પ્લિટ AC ની કોઇલ ડિસ્કેલિંગ અને સામાન્ય સફાઈમાં જ 1,500 થી 3,000 રૂપિયા ખર્ચાઈ જાય છે. જો બહારના પંખાની મોટર બગડે તો 1,800 થી 4,500 રૂપિયા અને ઇન્વર્ટર AC નું PCB બોર્ડ ખરાબ થાય તો 3,500 થી 8,500 રૂપિયા સુધીનો ફટકો પડી શકે છે. વળી, કન્ડેન્સર કોઇલ બદલવાની નોબત આવે તો 4,500 થી 9,000 રૂપિયા અને જો કોમ્પ્રેસર જ બળી જાય તો 10,000 થી લઈને 22,000 રૂપિયા સુધીનો તોતિંગ ખર્ચ થઈ શકે છે. આ નુકસાનથી બચવા માટે બજારમાં મળતા 250 થી 350 રૂપિયા સુધીના વોટર-રેસિસ્ટન્ટ કવર ઉત્તમ સાબિત થાય છે, જેમાં AC ની ક્ષમતા મુજબ સાઇઝ અને પવનમાં ન ઊડે તે માટે ઇલાસ્ટિક કે દોરી હોવી જરૂરી છે.

AC ને સુરક્ષિત રાખવા માટે કવર લગાવતા પહેલાં કેટલીક ખાસ બાબતો ધ્યાનમાં રાખવી પડે છે. સૌથી પહેલાં આઉટડોર યુનિટ સંપૂર્ણપણે સૂકું હોવું જોઈએ, તેથી તેને સૂકા કપડાથી બરાબર લૂછીને સાફ કરી લો. કવર લગાવ્યા બાદ AC નો પ્લગ સ્વિચબોર્ડમાંથી અચૂક બહાર કાઢી લેવો. આ ઉપરાંત હવાના યોગ્ય પરિભ્રમણ માટે કવરને નીચેના ભાગેથી સહેજ ખુલ્લું રાખવું જેથી અંદર વરાળ કે ભેજ ન ભરાય. જો શક્ય હોય તો કવર કરતાં પહેલાં એકવાર એક્સપર્ટ પાસે જનરલ સર્વિસ કરાવી લેવી સૌથી ઉત્તમ છે, જેથી સર્વિસ પછી યુનિટને 1 દિવસ પૂરેપૂરું સૂકાવા દઈને કવર લગાવી શકાય. આમ કરવાથી આવતા ઉનાળામાં તમે કોઈપણ વધારાના ખર્ચ કે સર્વિસ વગર સીધું જ AC ચાલુ કરી શકશો.

LATEST ARTICLES